THARAD

ગામ પંચાયતોમાં તલાટીઓની ગેરહાજરી અંગે અનેક ફરિયાદો થતાં તલાટીઓ માટે સેલ્ફી હાજરી ફરજીયાત

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ જિલ્લાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અહીં હવે તલાટીઓ માટે નવી હાજરી પદ્ધતિ અમલમાં મૂકાશે. જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDO દ્વારા તલાટીઓની અનિયમિતતા ઘટાડવા માટે ‘સેલ્ફી હાજરી’નો નિયમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ગામ પંચાયતોમાં તલાટીઓની ગેરહાજરી અંગે અનેક ફરિયાદો મળી રહી હતી. લોકોને જરૂરી કામ માટે પંચાયત કચેરીએ જતાં હોવા છતાં તલાટી હાજર ન હોવાના કારણે મુશ્કેલીઓ ઉભી થતી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે હાજરી પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નવી વ્યવસ્થા અનુસાર હવે તલાટીઓને દરરોજ એપ્લિકેશનમાં સવાર અને સાંજ એમ બે વખત હાજરી નોંધાવવી પડશે. હાજરી નોંધાવતી વખતે લોકેશન સાથે સેલ્ફી અપલોડ કરવી ફરજિયાત રહેશે. આથી તલાટી ખરેખર પોતાની ફરજ પર હાજર છે કે નહીં તેની ખાતરી સરળતાથી થઈ શકશે.

નિયમ મુજબ જો કોઈ તલાટી દિવસમાં માત્ર એક જ વખત હાજરી નોંધાવશે તો તેને અડધા દિવસની ગેરહાજરી ગણવામાં આવશે અને તેના પગારમાંથી કપાત કરવામાં આવશે.

હવે તલાટીઓનો માસિક પગાર પણ એપ્લિકેશનમાં નોંધાયેલી હાજરીના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે હાજરીનો સંપૂર્ણ રેકોર્ડ ડિજિટલ રીતે રાખવામાં આવશે, જેથી પારદર્શિતા વધશે અને અનિયમિતતા પર નિયંત્રણ આવશે. આ નિર્ણયથી ગ્રામજનોને પંચાયત કચેરીમાં કામ માટે જતા સમયે તલાટી સરળતાથી ઉપલબ્ધ રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિજિટલ હાજરી પદ્ધતિથી કામકાજ વધુ જવાબદાર અને વ્યવસ્થિત બનશે તેવી અપેક્ષા છે.

Back to top button
error: Content is protected !!