
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
કચ્છ યુનિવર્સિટીમાં ‘ગુજરાતી પ્રવાસ સાહિત્ય’ પર વિદ્વાન વ્યાખ્યાનમાળા યોજાઈ : પ્રવાસ એ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે – ડો. અભય દોશી
ભુજ, તા.16:
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા કુલપતિ ડો. મોહન પટેલ તથા રજિસ્ટ્રાર ડો. અનિલ ગોરના માર્ગદર્શન હેઠળ ‘વિદ્વાન વ્યાખ્યાનમાળા’ અંતર્ગત ચોથો મણકો યોજાયો હતો. “ગુજરાતી પ્રવાસ સાહિત્ય” વિષય પર આયોજિત આ કાર્યક્રમમાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યાપક ડો. અભય દોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના વક્તવ્યમાં ડો. અભય દોશીએ મધ્યકાળથી અર્વાચીન યુગ સુધીના પ્રવાસ સાહિત્યની રસપ્રદ સફર કરાવી હતી. તેમણે રામાયણનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, “પ્રવાસ એ માત્ર ભ્રમણ નથી પરંતુ એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિ તરફ જવાનો રાજમાર્ગ છે.” ગુજરાતી ભાષાના પ્રવાસ સાહિત્યના સર્જકોને યાદ કરી તેમણે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રમાં હજુ પણ ઘણું ખેડાણ બાકી છે. તેમણે નવયુવાન વિદ્યાર્થીઓને આ દિશામાં નવું સાહિત્ય સર્જન કરવા માટે ખાસ અપીલ કરી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. કાશ્મીરાબેન મહેતાએ કચ્છની ધરતીના સાહસિક પ્રવાસીઓ જેવા કે ગોકુળદાસ તેજપાળ, શેઠ શૂરજી વલ્લભદાસ અને શેઠ ખીમજી રામદાસના દ્રષ્ટાંતો આપ્યા હતા. તેમણે કચ્છી પ્રવાસીઓ દ્વારા લખાયેલા પ્રવાસ વર્ણનો પર ઊંડાણપૂર્વક સંશોધન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે એક વિશેષ શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું જેમાં લાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપિકા નીલમબેન ગોહિલ અને સ્વામિનારાયણ વિદ્યાલયના શિક્ષિકા ભક્તિબેન સુથારે પોતાના પી.એચ.ડી. સંશોધનની વિગતો રજૂ કરી હતી. ડો. કાશ્મીરાબેન મહેતા, ડો. અભય દોશી અને ડો. પ્રવીણ રથવીની તજજ્ઞ સમિતિ દ્વારા લેવાયેલ આ ‘વાયવા’ (મૌખિક પરીક્ષા) નવા સંશોધકો માટે પ્રેરણારૂપ બની રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રાધાબેન ડાંગરે કર્યું હતું અને આયોજનમાં રામભાઈ કાગે જહેમત ઉઠાવી હતી. અંતમાં નંદિનીબેન હરસીયાણીએ આભાર વિધિ કરતા કચ્છની મહેમાનગતિ અને કચ્છની અલોકિક ભૂમિનો મહિમા ગાઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. આ વ્યાખ્યાનમાળામાં મોટી સંખ્યામાં પી.એચ.ડી. સ્કોલર્સ અને ગુજરાતી સાહિત્ય પ્રેમી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




