
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
———*કૃણાલનું બાઈક વીજળીના થાંભલા સાથે અથડાતા ગંભીર ઈજા થઈ હતીઃ*
———-*‘અંગદાન મહાદાન’ની ભાવનાને સાકાર કરતો જાદવ પરિવાર*
——– ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ ધરાવતા સુરત શહેરમાં વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવસારી જિલ્લાના વાંસદાના દુકાન ફળીયામાં રહેતા ૨૦ વર્ષીય બ્રેઈનડેડ કૃણાલભાઈના પરિવારજનોએ માનવતાવાદી અભિગમ સાથે સ્વજનના અંગદાનનો નિર્ણય લઈને હદય, લીવર અને બે કિડનીનું દાન કરતા ચાર જરૂરિયાતમંદોને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર તા.૧૮મી માર્ચના રોજ કૃણાાલનું બપોરે ૨:૦૦ PMના રોજ વાંસદાના ચિકટીયા ગામે વીજળીના થાંભલા સાથે બાઇક અથડાતા માંથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તત્કાલ ૧૦૮ મારફતે નજીકની વાંસદા હોસ્પિટલ ત્યાંથી વલસાડની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા. વધુ સારવાર માટે તા:૧૯મીના રોજ સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જયાં તા.૨૩મીના રોજ ડૉ.ભરત ચાવડા, ડૉ.નિલેશ કાછડીયા, ડૉ.જય પટેલ (ન્યુરોલોજિસ્ટ), ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
ત્યારબાદ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલ ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલાએ તેમના માતા-પિતા તથા પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. તેમના પિતા મહેન્દ્રભાઈ તથા માતા વિધાબેનએ કહ્યું કે, અંગદાનથી કોઇનું જીવન બચાવી શકાતુ હોય તો અમારો કૃણાલ તેમના શરીરમાં જીવંત રહેશે.
બ્રેઈનડેડ કૃણાલના હદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા લિવર અને બન્ને કિડની આઈ.કે.ડી. હોસ્પિટલ અમદાવાદમાં લઈ જવામાં આવી હતી. નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, સુરક્ષા કર્મચારીઓ તથા સ્વયંસેવકોએ આ અંગદાન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.





