
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. એક તરફ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમના જાહેર ભાષણોમાં ભૂતપૂર્વ સરકારની “લાલ ટેન્કર પ્રથા”ને પૂર્ણવિરામ અપાઈ ગયો હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હકીકત એવી સામે આવી રહી છે કે વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન તેમની જ ગ્રાન્ટમાંથી પાણીના ટેન્કરોની ખરીદી કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને તાજેતરમાં નવા ટેન્કરો ખરીદવામાં આવ્યા છે.આ પગલાને કારણે રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચા ઉઠી છે કે જો ટેન્કર પ્રથા ખરેખર બંધ થઈ ગઈ હોય, તો નવા ટેન્કરો ખરીદવાની જરૂર શા માટે ઊભી થઈ?સ્થાનિકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે એક તરફ ટેન્કર પ્રથાનો અંત દર્શાવી વિકાસના દાવા કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ એ જ પ્રથાને આગળ વધારતા નિર્ણયો લેવાઈ રહ્યા છે.આ વિરોધાભાસી પરિસ્થિતિને કારણે ધારાસભ્યના નિવેદનોની વિશ્વસનીયતા પર પણ સવાલો ઊભા થયા છે.વિશેષજ્ઞોના મત અનુસાર, જો જિલ્લામાં પાણી પુરવઠા માટે કાયમી અને સુવ્યવસ્થિત યોજના અમલમાં મુકાઈ હોત, તો ટેન્કર આધારિત વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહેત. ટેન્કરોની ખરીદી એ સ્પષ્ટ કરે છે કે સમસ્યા હજી યથાવત છે અને તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.આ સમગ્ર મામલે હવે સ્થાનિક લોકો સ્પષ્ટતા માંગે છે કે ટેન્કર પ્રથા ખરેખર બંધ થઈ છે કે ફક્ત ભાષણોમાં જ સીમિત છે. સાથે જ સરકારી નાણાના ઉપયોગમાં પારદર્શકતા જાળવવાની માંગ પણ તેજ બની રહી છે.ડાંગ જિલ્લાના વિકાસના દાવાઓ વચ્ચે ઊભી થયેલી આ પરિસ્થિતિ તંત્ર માટે વિચારવા જેવી છે અને જવાબદારોએ વહેલી તકે સ્પષ્ટ જવાબ આપવો સમયની માંગ બની છે..





