GUJARATKUTCHMUNDRA

મુંદરાના વર્ધમાન નગરમાં રખડતા પશુઓ મુદ્દે રહીશોનો આક્રોશ: સ્વાર્થી પશુપાલકો સામે FIR નોંધવા ઉગ્ર માંગ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

મુંદરાના વર્ધમાન નગરમાં રખડતા પશુઓ મુદ્દે રહીશોનો આક્રોશ: સ્વાર્થી પશુપાલકો સામે FIR નોંધવા ઉગ્ર માંગ

 

(અહેવાલ: ધર્મેશ શેરાજી, મુંદરા.)

મુંદરા, તા. 26:

મુંદરાના વર્ધમાન નગર સ્થિત રાજગોર સમાજ વાડી પાસે રખડતા પશુઓના વધતા ત્રાસને પગલે સ્થાનિક મહિલાઓ અને જાગૃત નાગરિકોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે મહેશભાઈ માલી જેવા પશુમાલિકો માત્ર પોતાના આર્થિક સ્વાર્થ ખાતર ગાયો રાખે છે અને દૂધ કાઢી લીધા પછી તેમને રસ્તા પર બિનવારસી હાલતમાં રઝળતી મૂકી દે છે. આ બેજવાબદારીને કારણે માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે જેમાં નિર્દોષ નાગરિકો ઘાયલ થાય છે અને અબોલ ગાયો પણ કફોડી હાલતમાં મૃત્યુ પામે છે. રહીશોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે દૂધ કાઢ્યા પછી ગાયને રસ્તા પર તરછોડવી એ ગુનો છે અને આવા માલિકો સામે તાત્કાલિક ધોરણે FIR નોંધી કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ.

તંત્રને ખુલ્લી અપીલ કરતાં રહીશોએ જણાવ્યું છે કે માત્ર ગાયોને પકડીને ડબ્બે પૂરવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. તંત્રએ હવે દરેક વોર્ડમાં પશુઓની નોંધણી ફરજિયાત કરવી જોઈએ અને માલિકની ઓળખ થાય તેવા પગલાં ભરવા જોઈએ. રખડતી ગાયોના માલિકો પાસેથી મસમોટો દંડ વસૂલવાની માંગ સાથે લોકોનું કહેવું છે કે જો ગાયને ‘માતા’ માનતા હોવ તો તેની પૂરેપૂરી જવાબદારી પણ માલિકની જ છે. તંત્રએ પશુમાલિકોના ઘરે જઈને કાયદાકીય હથોડો વીંઝવો પડશે તો જ આ પરિસ્થિતિમાં સુધારો આવશે. મુંદરાના જાગૃત નાગરિકો હવે આ મુદ્દે આરપારની લડાઈના મૂડમાં જણાઈ રહ્યા છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!