
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતનો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લો હાલમાં એક મોટી ધાર્મિક અને સામાજિક ક્રાંતિનું સાક્ષી બન્યો છે.છેલ્લા કેટલાક સમયથી દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) અને સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્મ પરિવર્તન કરનાર આદિવાસીઓના અનામત લાભો અંગે ચાલી રહેલી કાનૂની ચર્ચાઓની વ્યાપક અસર ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળી રહી છે.
આ કાયદાકીય અને સામાજિક ગતિવિધિઓ વચ્ચે ડાંગ જિલ્લાના વિવિધ ગામોના અંદાજે 100 જેટલા આદિવાસી પરિવારોએ ખ્રિસ્તી ધર્મ છોડીને પોતાની મૂળ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મમાં પરત ફરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.નવસારી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે આવેલા ઉષ્ણ અંબે માતા મંદિરે એક ભવ્ય ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે ‘અગ્નિવીર હિન્દુ સંગઠન’ દ્વારા તમામ પરિવારોને શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે હિન્દુ ધર્મમાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આદિવાસી યુગલોએ ઉનાઈના પવિત્ર ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી શુદ્ધિકરણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને ત્યારબાદ પૂજા-અર્ચના કરી વિધિવત રીતે હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો.હિન્દુ ધર્મમાં પરત ફરેલા આદિવાસી ભાઈ-બહેનોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ભૂતકાળમાં તેમને વિવિધ પ્રકારની લોભ-લાલચો આપીને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.જોકે, તેમના હૃદયમાં હંમેશા પોતાની મૂળ પરંપરાઓ પ્રત્યે આદર રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “અમે વર્ષોથી પ્રકૃતિ, સૂર્ય, ચંદ્ર, નાગ દેવ અને વાઘ દેવની સાથે હનુમાનજીની પૂજા કરતા આવ્યા છીએ. હવે અમે કોઈ પણ દબાણ વગર સ્વેચ્છાએ અમારી મૂળ સંસ્કૃતિ અને સંસ્કારો સાથે ફરી જોડાઈ રહ્યા છીએ.” આ સમગ્ર અભિયાનનું નેતૃત્વ કરનાર અગ્નિવીર હિન્દુ સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિતે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડાંગના પૂર્વ પટ્ટી વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન આ પરિવારોએ સ્વયંભૂ ઘર વાપસીની ઈચ્છા વ્યક્ત કરી હતી.સંગઠન દ્વારા માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ આ પરિવારોનો સમાજમાં ગરિમાપૂર્ણ સ્વીકાર થાય તે માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. ડાંગમાં થયેલા આ ‘શ્રી ગણેશ’ આગામી સમયમાં ધાર્મિક પરિવર્તનની દિશામાં એક મોટો વળાંક સાબિત થઈ શકે તેમ છે.






