
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ
ખેરગામને આધુનિક બનાવવાના સંકલ્પ સાથે એક નવી પહેલરૂપે “ ખેરગામ મોડર્નાઇઝેશન એન્ડ ડેવલપમેન્ટ કમિટી (Modeco)” ની રચના કરવામાં આવી છે. આજરોજ ખેરગામમાં યોજાયેલી આગેવાનોની મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા આ નિર્ણયને ખેરગામના આધુનિક ભવિષ્ય માટે મક્કમ પગલું માનવામાં આવી રહ્યું છે.આ નવી રચાયેલ કમિટીના પ્રમુખ તરીકે ખૂબ જ સક્રિય આગેવાન શૈલેષ ટેલરની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે હર્ષદ આહિર અને જીગ્નેશ પટેલને જવાબદારી સોપવામાં આવી છે. મંત્રી તરીકે મુશ્તાન વ્હોરા, સહમંત્રી તરીકે મહેશ ભાનુશાલી, કોષાધ્યક્ષ તરીકે ધર્મેશ ભરૂચા તેમજ ટેકનિકલ એડવાઈઝર તરીકે રાજુભાઈ મહેતા અને પ્રશાંત પટેલની તથા કોર કમિટીમાં વિજય રાઠોડ, નટુભાઈ પટેલ, ફારૂક શેખ, હર્ષદ પટેલ, દિપક પટેલ, મિરજ દેસાઈ, સંજય ગજ્જર સહિતનાઓની વરણી કરવામાં આવી છે. તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમના નવા સંકલ્પ માટે ઉપસ્થિતો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.પ્રમુખ શૈલેષ ટેલરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ખેરગામમાં ભૂગર્ભ ડ્રેનેજ પ્રોજેક્ટને સાકાર કરવા માટે ટીમ દ્વારા લગભગ 15 થી 20 વખત ગાંધીનગર જઈ વિવિધ રાજકીય નેતાઓ અને સચિવ કક્ષાના અધિકારીઓને ખેરગામને કેમ ડ્રેનેજની અનિવાર્યતા છે તેની ખાતરી કરાવાઈ હતી. હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહ્યો છે, જે ગામના વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે ભવિષ્યમાં ડ્રેનેજની કામગીરી દરમ્યાન સ્થાનિક નાગરિકો અને અમલીકરણ એજન્સી વચ્ચે સુમેળ રહે, તેમજ કોઈપણ પ્રકારની અડચણોનું ઝડપી નિરાકરણ થાય તે માટે “Modeco” મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ખેરગામને આધુનિક ટાઉન તરીકે વિકસાવવા માટે કમિટીએ અનેક પ્રાથમિકતાઓ નક્કી કરી છે. તેમાં ગામભરમાં CCTV કેમેરા, તળાવનું બ્યુટીફિકેશન, સોલાર લાઈટ્સની વ્યવસ્થા અને વર્ષો જૂની પીવાના પાણીની લાઇનનું નવીનીકરણ, રોડના ડીવાઈડરમાં ગામની શોભા વધારતા વૃક્ષોનું પ્લાન્ટેશન જેવા વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી ગામના વિકાસના આ સમગ્ર અભિયાનમાં રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓનો સકારાત્મક સહયોગ મળી રહ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.
Modeco ની ટીમ ખેરગામને શ્રેષ્ઠ અને મોડર્ન બનાવવાના સંકલ્પને પૂરો કરવામાં ચોક્કસ સફળ થશે અને ખેરગામના સર્વાગી વિકાસ માટે આશાની નવી કિરણ બનશે એવો વિશ્વાસ સૌએ વ્યક્ત કર્યો હતો.



