
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અંબિકા નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ વર્ષોથી અડિખમ ઊભી છે બાહુબલી બજરંગબલીની પ્રતિમા.વિશ્વભરમાં અજરઅમર એવા શ્રી હનુમાનજી ના અનેકો મંદિર આવેલા છે. વિશેષ કરીને આદિવાસી અને પ્રકૃતિપૂજક સમાજમાં ઘરેઘર હનુમાનજી પ્રત્યે અખૂટ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. આવી જ આદિજાતિ વસતિનું પ્રભુત્વ ધરાવતા અને પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લામાં પણ શ્રી હનુમાનજીના અનેક આસ્થા સ્થાનો આવેલા છે. જેમાં ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇના સીમાડે, અંબિકા નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે વર્ષાથી અડીખમ ઊભેલા બજરંબલીનું સ્થાનક એટલે નાની વધઈ (કિલાદ)નું તડકીયા હનુમાન મંદિર.જે લોકવાયકા મુજબ બસોએક વર્ષ અગાઉ સ્થાનિક પ્રજાજનોની આસ્થાના પ્રતિકસમા રઘુનંદન શ્રી હનુમાનજીની પ્રતિમા (પત્થર)ને નવસારી જિલ્લામાથી ડાંગ જિલ્લામાં બળદગાડામાં લઈ જવાતો હતો.તે વખતે નદી પાર કરવા માટે કોઇ માર્ગ કે પૂલની સગવડ પણ ન હતી. નદીની વચ્ચેથી કેડીએ કેડીએ લોકોની અવર-જવર રહેતી. અંબિકાના નીર જ્યારે ચોમાસામાં ધસમસતા હોય ત્યારે આ માર્ગ મોટેભાગે બંધ જ રહેતો અથવા કહો કે નદી તરીને સામે પાર પહોંચવું પડતું. આવા સમયે અંબિકાના પ્રવાહમાંથી ગાડામાં લઈ જવાતા હનુમાનજીની પ્રતિમાનું વજન એકાએક વધી ગયું અને બળદગાડાની ધૂસરી પણ તુટી ગઈ. પ્રતિમા લઇ જનારા ભક્તોનાં લાખ પ્રયત્નો છતાં પણ તેઓ આ મૂર્તિને નદીપાર લઈ જવામાં સફળ ન થયા અને જેવી હનુમાનજીની મરજી એમ સમજીને ત્યાં જ, અંબિકા નદીની વચ્ચે જ આ પ્રતિમાની વિધીવત સ્થાપના કરી હતી.ડાંગ જિલ્લાના ગુજરાત તરફથી પ્રવેશ દ્વાર એવા વઘઇના સીમાડે એટલે કે નાની વઘઇ (કિલાદ) ખાતે બિરાજમાન આ તડકિયા હનુમાનજી ભારે ગુસ્સાવાળા હોવાની પણ લોકવાયકા અહીં પ્રવર્તે છે.ગુસ્સાવાળી વ્યક્તિઓ અહીં હનુમાનજીની આસ્થાપૂર્વક પૂજા-
અર્ચના કરે તો તેમનો ગુસ્સો કાળક્રમે શાંત થાય છે અને બહુ જ ઢીલી,શાંત વ્યક્તિ જો આ હનુમાનજીની આરાધના કરે તો ધીમે ધીમે તેઓમાં પણ શક્તિનો સંચાર થાય છે. આમ બહુ ઠંડા અને બહુ ગુસ્સાવાળા બધા જ લોકો માટે આ હનુમાનજી આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યા છે, અહીં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.તમે વાંસદા તરફથી ડાંગમાં પ્રવેશો અને વાંસદા નેશનલ પાર્ક (કિલાદ)ના આંગણેથી નિકળો અને અંબિકા નદીના બ્રિજ ઉપરથી જમણે હાથે નીચે જુના ભાંગેલા પૂલની બાજુમાં જે ગેરૂઆ રંગનો પત્થર દેખાય છે તે જ આ તડકિયા હનુમાનજીનું સ્થાનક છે. ચોમાસામાં આ હનુમાનજીની અંબિકાનું નીર ફરી વળે છે. પ્રકૃતિનો ચારે તરફ આ નજારો પણ જોવા લાયક છે. અંબિકાના તીરે સ્થાનિક ભક્તજનો અને સેવાભાવી લોકોએ ચોતરો અને ભક્તજનો માટે ઉઠવા-બેસવાની વ્યવસ્થા કરી છે, શેડ બાંધ્યો છે. પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. અહીં બારે માસ અને ખાસ કરીને શનિવાર અને મંગળવારે ભક્તોની તથા બાધા-માનતા રાખવા આવતા લોકોની ભારે ભીડ જામે છે.લગ્નપ્રસંગે જેવા શુભ અવસરે અહીંથી પસાર થતા લોકો ચોક્કસ જ અહીં બે ઘડી વિસામો લઈને, બજરંગબલીના આશિર્વાદ લેતા હોય છે, તો રોજીંદા અવર-જવર કરતા લોકો અને વાહનચાલકો પણ તેમને કોઇ વિઘ્ન ન નડે તે માટે આ ભીડભંજનને હોર્ન મારીને, તેમની હાજરી પુરાવતા હોય છે. સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા અહીં રામનવમીથી લઈને હનુમાન જયંતી જેવા અવસરે વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે. આ વર્ષે પણ અહીં હનુમાન જયંતિ ના દિવસે શાસ્ત્રોક્ત પૂજાવિધી સાથે મહાપ્રસાદી અને રાત્રે લોક-ડાયરા તથા આંતરરાષ્ટ્રીય કથાકાર મેહુલભાઈ જાની (બાપુ) સાંનિધ્યમાં હનુમાન કથા નુ ભવ્ય આયોજન કરાયું છે. આ મંદિરના આંગણેથી અંબિકા નદીના તીરે-તીરે આગળ વધો એટલે વન-વિભાગની ઇકો કેમ્પ સાઈડ (કિલાદ) આવે છે, જ્યાં પર્યાવરણ જાગૃતિ શિબિર માટે અનેક લોકો વર્ષભર આવતા હોય છે. બાજુમાં વાંસદા નેશનલ પાર્ક (કિલાદ) ખાતે વન્ય જીવોને નજીકથી જોવા, જાણવા અને અહીંની વનરાજીને માણવા વર્ષભર પ્રકૃતિપ્રેમીઓ આવતા રહે છે. ડાંગમાં ધોધમાર વરસાદ વરસતો હોય, નદીઓ બે કાંઠે વહેતી હોય ત્યારે આ પ્રતિમા જળસમાધી લઈને પુનઃ ભક્તજનોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. વનપ્રદેશમાંથી વહેતી અંબિકાના ધસમસતા પૂરમાં તણાઇને આવતી કાઢમીંઢ શીલાઓ, વૃક્ષોના ડાળખાં અને લાકડાના પ્રહાર વચ્ચે પણ આ બાહુબલી બજરંગીની પ્રતિમા નખશીખ અખંડિત રહે છે. વચ્ચે એક વર્ષે ભારે પૂરને કારણે બાજુમાં આવેલ જૂનો બ્રિજ ધ્વશ થઈ ગયો હતો પરંતુ હનુમાનજીની પ્રતિમા જરા પણ ખંડિત થઈ ન હતી.જે તેનુ સત્વ અને ચમત્કાર બતાવે છે..




