MORBI:મોરબીના મહેન્દ્રનગર કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓનો ભાવસભર વિદાય સમારંભ યોજાયો

MORBI:મોરબીના મહેન્દ્રનગર કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓનો ભાવસભર વિદાય સમારંભ યોજાયો
મોરબી: મોરબીના મહેન્દ્રનગર ખાતે આવેલી કન્યા પ્રાથમિક શાળામાં આજે ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ રહેલી વિદ્યાર્થિનીઓ માટે એક ભવ્ય અને ભાવસભર ‘વિદાય સમારંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી જે શાળાના આંગણે શિક્ષણ અને સંસ્કારનું ભાથું મેળવ્યું, તે શાળામાંથી વિદાય લેતી વેળાએ દીકરીઓ અને ગુરુજનોની આંખોમાં હર્ષ અને અશ્રુના મિશ્ર ભાવો જોવા મળ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું. વિદાય લેતી વિદ્યાર્થિનીઓએ મંચ પરથી શાળામાં વિતાવેલા આઠ વર્ષોના સંસ્મરણો વાગોળ્યા હતા. પોતાના ઘડતરમાં શિક્ષકોના ફાળા બદલ દીકરીઓએ ગદગદિત હૃદયે આભાર વ્યક્ત કર્યો હતો.શાળાના શિક્ષકોએ દીકરીઓને જીવનના આગામી પડકારો ઝીલવા માટે તૈયાર રહેવા અને ઉચ્ચ ધ્યેય હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. આ ખાસ અવસરે OPS (જૂની પેન્શન યોજના) ની ખુશીમાં શાળા પરિવાર દ્વારા તમામ દીકરીઓ માટે સ્વાદિષ્ટ સમૂહ ભોજન (તિથિ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સૌએ સાથે મળીને આનંદ માણ્યો હતો.સન્માન અને ભેટ: શાળા વતી દરેક વિદ્યાર્થિનીને યાદગાર ભેટ આપી સન્માનિત કરવામાં આવી હતી.ઉપસ્થિતિ આ પ્રસંગે શાળાના આચાર્ય દિવ્યેશભાઈ, એસ.એમ.સી (SMC) ના સભ્યો, અને સમગ્ર શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને ગ્રુપ ફોટો પડાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન શાળાના શિક્ષક ધમેન્દ્રભાઈ કાવઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું.










