
તા.૨૧૦૭૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે જીવલેણ હુમલો: ઘરમાં ઘુસી તોડફોડ, દાણ ગોડાઉન તોડ્યું, બાઈક સળગાવી; 12થી વધુ સામે ગુનો નોંધાયો
લીમખેડા તાલુકાના મોટા હાથીધરા તળાવ ફળિયામાં જૂની અદાવતને લઈને થયેલા હિંસક હુમલાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ બનાવ અંગે અમરીબેન બળવંતભાઈ ગલીયાભાઈ વાદીએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદ મુજબ, 16 જુલાઈ 2026ના રોજ સાંજે આશરે સાડા છ વાગ્યે ચિરાગભાઈ મનુભાઈ રાવત, શૈહીતભાઈ દિનેશભાઈ રાવત, રાજેશ ઉર્ફે ભોડો લાલાભાઈ રાવત, કનુભાઈ મડીયાભાઈ રાવત, નિલેષભાઈ કનુભાઈ રાવત, વિનેશભાઈ બાબુભાઈ રાવત, રોહિતભાઈ હીરાસિંહ હઠીલા સહિત અન્ય લોકો કારમાં આવી ગાળો બોલતા ઘરમાં ઘુસી ગયા હતા. આરોપીઓ લાકડી, લોખંડની પાઈપ, તલવાર અને પથ્થરો જેવા હથિયારો સાથે આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ અનુસાર આરોપીઓએ ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરી ઘરવખરી અને તિજોરી સહિતના સામાનમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બળવંતભાઈ પર જીવલેણ હુમલો કરી લોખંડની પાઈપ વડે માથામાં ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી તેમજ લાકડીઓ અને ગડદા-પાટુનો માર મારવામાં આવ્યો હતો. હુમલામાં બચવા માટે ભાગેલા બળવંતભાઈનો પીછો કરી ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.બચાવવા દોડી આવેલા પ્રભાકર ઉર્ફે ભોલો જેસીંગભાઈ ડાંગી અને મેહુલભાઈ દિનેશભાઈ ડાંગીને પણ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુમાં હુમલાખોરોએ પ્રભાકર ઉર્ફે ભોલોના દાણના ગોડાઉન ખાતે સિમેન્ટના પતરા અને વીજ મીટરની તોડફોડ કરી હતી તેમજ બળવંતભાઈનું મોટરસાયકલ સળગાવી નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ આરોપ મૂકાયો છે.ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત બળવંતભાઈને પ્રથમ લીમખેડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.લીમખેડા પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 191(2), 191(3), 190, 118(1), 115(2), 351(3), 296(b), 324(4) અને 326(1) સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે.





