
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કીડીયારા માટે 51000 નારિયેળના ગોળા મુક્યા.
ભારતીય સંસ્કૃતિમાં દરેક મહિનો કોઈને કોઈ ધાર્મિક ઋતુ આધારિત વિશેષતા ધરાવે છે. -મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ
મુંદરા, તા. 3:
ઉત્તર ગુજરાતના શંખેશ્વર તીર્થ સમીપે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરિવાર આયોજીત માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ ચૈત્ર મહિનામાં કીડીયારા માટે 51000 નારિયેળના ગોળા તૈયાર કરી મૂકવામાં આવ્યા. આ પ્રસંગે મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબએ ચૈત્ર મહિનામાં કીડીને કીડીયારું પૂરવાનો મહિમા સમજાવતા કહેલ કે ભારતીય સંસ્કૃતિમાં દરેક મહિનો કોઈ ને કોઈ ધાર્મિક ઋતુ આધારિત કે જીવદયા સંબંધિત વિશેષતા ધરાવે છે. તેમાંથી ચૈત્ર મહિનો ખાસ કરીને જીવદયા, દાન અને સહાનુભૂતિનો મહિનો માનવામાં આવે છે. જૈન પરંપરામાં તો ચૈત્ર મહિનામાં કીડીને કીડીયારું પૂરવાનું કાર્ય અત્યંત પુણ્યકારક અને આધ્યાત્મિક ઉન્નતિ આપનાર ગણવામાં આવે છે.
ચૈત્ર મહિનો વસંત ઋતુનો આરંભ સૂચવે છે. આ સમયમાં પ્રકૃતિ નવી તાજગી સાથે ફૂલીફાલી ઊઠે છે. સાથે જ નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ, તેમના જીવન માટે ખોરાક એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. આ મહિનો કીડીઓ માટે અત્યંત મહત્વનો હોય છે, કારણ કે તેઓ આ સમય દરમિયાન આખા વર્ષ માટેનો ખોરાક ભેગો કરે છે. કીડીયારું પૂરવાનું ધાર્મિક મહત્વ જૈન ધર્મમાં જીવદયાને સર્વોચ્ચ ધર્મ ગણવામાં આવે છે. “જીવો અને જીવવા દો”નો સિદ્ધાંત દરેક જીવમાં આત્માની સમાનતા શીખવે છે. કીડીઓ જેવા નાનામાં નાના જીવો પણ જીવ છે, તેમને પણ જીવવાનો હક છે. ચૈત્ર મહિનામાં કીડીઓને માટે આ નારિયળના ગોળામાં રવો, તલ, બાજરી, ઘી, ખાંડ પદાર્થ આપીને કીડીયારું પૂરવાનું કાર્ય એ માત્ર દાન નથી, પરંતુ તે કરુણા અને સંવેદનાનો જીવંત ઉદાહરણ છે. ચૈત્ર મહિનો એટલે કીડીને કીડીયારું પૂરવાનો મહિનો. ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે. એક કીડીયારુંનું ખોરાક સેંકડો કીડીઓ માટે બને છે. ચૈત્ર મહિનામાં કીડીયારું પૂરવાનું બહુ મોટો લાભ છે. આ ગોળામાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, ઘી, સફેદ તલ, સોજી, બૂરું ખાંડ આ છ વસ્તુને મીક્સ કરી ગોળામાં ભરવામાં આવે છે. આ નારિયળના ગોળાનો લાભ વિવિધ ગુરુભક્ત પરિવારો એ લીધેલ. આ કીડીયારું મીરપુર, અમદાવાદ, થરા, કચ્છ, શંખેશ્વર વિગેરે ગામોમાં કરવામાં આવેલ.
સામાજિક સંદેશ:
1-નાનામાં નાના જીવનું પણ મહત્વ છે.
2-દયા અને સેવા જીવનનું સૌંદર્ય છે.
3-સાચું ધર્મ માત્ર પૂજા નહીં પરંતુ સેવા છે.
4-અહિંસા ધર્મનું પાલન થાય છે.
5-પાપનો ક્ષય થાય છે.
6-પુણ્યનું બંધન થાય છે.
7-આત્મશાંતિ અને સંતોષ મળે છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




