
તા.૨૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા ૧૮૧ અભયમ ટીમની પ્રશંસનીય કામગીરી: દેવગઢ બારીયામાં પિયરમાં રહેતી બહેનને ત્રાસ આપતા નશાખોર ભાઈનું કાઉન્સિલિંગ કરી કરાવ્યું સુખદ સમાધાન
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના એક ગામમાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર એક પીડિત મહિલાનો મદદ માટે કોલ આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, તેનો સગો ભાઈ નાની-નાની બાબતોમાં ઝઘડો કરી, અપશબ્દો બોલીને તેને અસહ્ય માનસિક ત્રાસ આપે છે. ભાઈની સતત હેરાનગતિથી કંટાળીને આખરે મહિલાએ ન્યાય માટે ૧૮૧ની મદદ માંગી હતી.ઘટનાની ગંભીરતા જોઈને ૧૮૧ અભયમ લીમખેડા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ટીમે બંને પક્ષોનું ઊંડાણપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલા છેલ્લા ૧૦ વર્ષથી તેના પતિ, દીકરી અને વૃદ્ધ પિતા સાથે પિયરમાં જ રહે છે. મહિલાના પિતા ઉંમરલાયક હોવાથી તે તેમની દેખભાળ રાખે છે. બીજી તરફ, તેનો ભાઈ નશાની લતે ચડેલો છે અને ઘરની કોઈ જવાબદારી ઉપાડતો નથી. તે અવારનવાર નશો કરીને બહેન સાથે ઝઘડો કરતો હતો અને તેને ઘર છોડીને જતા રહેવાની ધમકીઓ આપતો હતો.૧૮૧ની ટીમે મહિલાના ભાઈને કાયદાકીય જોગવાઈઓની કડક સમજ આપીને તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. યોગ્ય માર્ગદર્શન અને સમજાવટના અંતે ભાઈને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરવાની લેખિતમાં બાંહેધરી (ખાતરી) આપી હતી. આમ, અભયમ ટીમની સમયસૂચકતાથી એક પરિવાર તૂટતો બચ્યો હતો અને સુખદ સમાધાન થયું હતું. કપરા સમયે તાત્કાલિક મદદ કરવા બદલ મહિલાએ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો



