બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ: કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

4 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતને અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન ચૂંટણી પ્રક્રિયાના તમામ તબક્કાઓ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ આચાર સંહિતાનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સાથે ચૂંટણીને લગતા જરૂરી માર્ગદર્શન અને તમામ તૈયારીઓની અસરકારક સુપરવિઝન કરવા સૂચનાઓ આપી હતી.સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી તમામ પગલાં, તેમજ ચૂંટણી ઓબ્ઝર્વર્સ માટે વાહન વ્યવહાર, રહેવાની-જમવાની સુવિધા, ટેલિફોન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બેઠકમાં તૈયાર મતદારયાદીની ચકાસણી, મતદારયાદી પરથી માર્ક કોપી ચીવટપૂર્વક તૈયાર થાય તેની કામગીરીનું સંકલન, દેખરેખ અને નિયંત્રણ, તેમજ ઇવીએમ મશીનોનું સંચાલન અને જાળવણી અંગે વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ આપવામાં આવી હતી.તેમજ મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન, ઉમેદવારી ફોર્મથી લઈને ચૂંટણી પરિણામ સુધીની તમામ માહિતી ઇ-ડેશબોર્ડમાં સમયસર દાખલ કરવા, તેમજ ઉમેદવારોના એફિડેવિટ/એકરારનામા ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની સ્થાપના, પોલિંગ સ્ટાફની વ્યવસ્થા, ચૂંટણીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપવી, વાહન સંપાદન, બેલેટ પેપર સંબંધિત કામગીરી, મીડિયા મેનેજમેન્ટ, તેમજ મતદાન મથકો પર જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી.
ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા અંગેના પરિપત્રોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવું, ઉમેદવારના રજીસ્ટરની ચકાસણી અને તેનું જિલ્લા કક્ષાએ નિયમિત રિપોર્ટિંગ કરવું જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ વિભાગોને ચૂંટણી સંબંધિત કામગીરી સમયબદ્ધ અને જવાબદારીપૂર્વક પૂર્ણ થાય તે જરૂરી છે. ચૂંટણીના દરેક તબક્કે સુચિત આયોજન, સતત મોનીટરીંગ અને વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ખામી ન રહે તે માટે તંત્ર સંપૂર્ણ સજ્જ રહે અને નાગરિકોમાં વિશ્વાસ જળવાઈ રહે તે દિશામાં કાર્ય કરવાની જરૂરિયાત પર પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનું યોગ્ય પાલન થાય તે મુજબ કામ કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વિભાગની તૈયારીઓ અંગે માહિતી રજૂ કરી હતી.પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર સજ્જ.



