GUJARATHALOLPANCHMAHAL

હાલોલ બાયપાસ રોડ પર સ્ક્રેપના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી,આગની લપેટમાં ત્રણ મકાનો આવતા માલિકો મકાન છોડી ભાગ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૪.૨૦૨૬

હાલોલ બાયપાસ રોડ પર હોટલ હેરિટેજ સામે આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ લાગવાની ઘટના સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.માહિતી મુજબ ગોડાઉનમાં ઔદ્યોગિક વસાહતમાંથી નીકળતો પ્લાસ્ટિક, સ્પંજ, લેધર અને લાકડાનો સ્ક્રેપ સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં આવેલા અન્ય ચાર જેટલા ગોડાઉનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે વધુ ફાયર ટીમોને બોલાવવાની ફરજ પડી હતી.આગ દરમિયાન ધડાકાના અવાજો સંભળાતા હોવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ગોડાઉન ઉબેદુલ્લાહ નામના વ્યક્તિ તેમજ અન્ય બેથી ત્રણ વ્યક્તિઓના ગોડાઉનો હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકોમાં લાંબા સમયથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે હાલોલ વિસ્તારમાં 50 જેટલા ભંગારના ગોડાઉન જરૂરી મંજૂરીઓ અને ફાયર સેફ્ટી વિના ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી ગોડાઉનની સંખ્યા વધતા જોખમ પણ વધ્યું છે, છતાં વહીવટી તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.આ ઘટનાને પગલે હવે આવા ગોડાઉનોની કાયદેસરતા, પરવાનગીઓ, સંગ્રહિત સામગ્રી અને પર્યાવરણ સંબંધિત નિયમોના પાલન અંગે સઘન તપાસ કરવાની માંગ ઉઠી રહી છે.જ્યારે આ વિકરાળ બનેલી આગે આસપાસના ખેતરોમાં બનેલા કેટલાક રહેણાક મકાનોને આગની લપેટમાં લેતા પોતાના જીવ બચાવી મકાનો છોડી ભાગ્યા હતા જ્યારે ત્રણેક જેટલા મકાનોમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!