GUJARATKUTCHMANDAVI

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય /પેટા ચૂંટણી અંતર્ગત સભા સરઘસની પરવાનગી મેળવી લેવી

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-૦૬ એપ્રિલ : આગામી સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટેની તારીખો જાહેર થયેલ છે અને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જે સંદર્ભે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવારો, પક્ષના કાર્યકરો દ્વારા સભા, સરઘસ, રેલી વગેરેનું આયોજન થશે. આ સભા, સરઘસ વ્યવસ્થિત રીતે યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જાળવવા તથા જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુસર નીચે અનુસુચિમાં દર્શાવેલ વિસ્તારમાં પરવાનગી લીધા સિવાય તેમાં કોઈ વ્યક્તિઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે સમગ્ર કચ્છ જિલ્લામાં રાત્રીના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી કોઈ વ્યક્તિઓની મંડળી અને સભા/સરઘસ ન યોજાય તે માટે હુકમ કરવાનું જરૂરી જણાય છે.

જેથી શ્રી આનંદ પટેલ જિલ્લા મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજ એ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ (૩૭) ની પેટા કલમ (૩) થી મળેલ સત્તાની રૂએ તા.૧૯/૦૪/૨૦૨૬ સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવી છે. તેમજ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા થી સવારના ૦૮:૦૦ વાગ્યા સુધી મંડળી, સભા અને સરઘસની પરવાનગી નહીં આપવા ફરમાન કર્યુ છે. વધુમાં આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને, કોઈ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમના કોઈ પણ ભાગનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને આ અધિનિયમની કલમ ૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે.ગુજરાત પોલીસ એકટની કલમ-૧૩૫ની આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનો ભંગ બદલ ગુના કામે આ જાહેરનામા હેઠળ તપાસ કરવાના, જાહેરનામાના પાલન કરવાના, અને તપાસના અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરના કર્મચારીઓને રહેશે.

Back to top button
error: Content is protected !!