GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે ચોપાનીયા-ભીંતપત્રોની પ્રસિદ્ધિ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશ

તા.૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જીલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ પેટા ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝાએ ચોપાનીયા અને ભીંતપત્રોની પ્રસિદ્ધિ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશ કર્યો છે.

જે મુજબ કોઇપણ વ્યકિત કે સંસ્થા જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી / કરાવી શકશે નહીં. તેમજ મુદ્રકે પ્રિન્ટ કરવામાં આવેલા તમામ સાહિત્યની ચાર નકલો તથા પ્રકાશક પાસેથી મેળવેલા એકરારનામાં “એપેન્ડીક્ષ-એ” અને “એપેન્ડીક્ષ-બી”ની એક-એક નકલ છાપકામ કર્યાના ત્રણ દીવસની અંદર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી તથા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને રજૂ કરવાની રહેશે.

વધુમાં, કોઇપણ વ્યકિત કે સંસ્થા ચૂંટણીને લગતા કોઇપણ ચોપનીયા, ભીંતપત્રો પ્રિન્ટ કરતા પહેલા પ્રકાશક પાસેથી તેની સહીવાળા અને તેને અંગત રીતે ઓળખતી હોય, તેવી બે વ્યકિતઓની સાક્ષી સહી કરેલા પ્રકાશકની ઓળખ અંગેના એકરારની બે નકલ મેળવી ત્યારબાદ જ આવા ચૂંટણી સાહિત્ય છાપવાના રહેશે. અને પ્રિન્ટીંગ કરેલા સાહિત્ય ઉપર મુદ્રક તથા પ્રકાશકના પૂરા નામ, સરનામા, ફોન તથા મોબાઇલ નંબર દર્શાવવાના રહેશે તેમજ પ્રિન્ટ કરવામાં આવેલી નકલોની સંખ્યા દર્શાવવાની રહેશે. હાથે નકલો કરવા સિવાય લખાણની વધુ નકલો કાઢવાની કોઇપણ પ્રક્રિયા મુદ્રણ ગણાશે અને મુદ્રકનો અર્થ તે પ્રમાણે થશે.

આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશનર હકુમત હેઠળના રાજકોટ શહેર મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયતની બેઠક પૂરતા વિસ્તારમાં તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જેનો ઉલ્લંધન કરનાર સજાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!