Rajkot: “સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬” ઉમેદવારી પત્રો ભરવા કચેરીના ૧૦૦ મીટર વિસ્તારમાં ત્રણથી વધુ વાહનો સાથે જવા પર પ્રતિબંધ

તા.૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર સહિત પાંચથી વધુ વ્યક્તિઓ જઈ શકશે નહીં
Rajkot: રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી/ પેટા ચૂંટણીઓ અન્વયે રાજકોટ પોલીસ કમિશ્નરશ્રી બ્રજેશ કુમાર ઝાએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જરૂરી હૂકમ જાહેર કર્યાં છે.
જે મુજબ કોઈપણ ઉમેદવાર તેમના ઉમેદવારી પત્રો ભરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે તેમની કચેરીના ૧૦૦ મીટરના આસપાસના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહી. તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળી કુલ-૫ (પાંચ) વ્યકિતઓથી વધુ સંબંધિત અધિકારીની ચેમ્બરમાં જઈ શકશે નહી. વિજેતા ઉમેદવાર ચૂંટણી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ આ સૂચના લાગુ પડશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર સામે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ હુકમ તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.



