
કિરીટ પટેલ બાયડ
આગામી તાલુકા પંચાયત ચૂંટણી માટે બાયડ તાલુકા ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત.
આગામી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બાયડ તાલુકા પંચાયતની બેઠકો માટે પોતાના સક્ષમ અને પાયાના કાર્યકરોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રદેશ નેતૃત્વ અને જીલ્લા પસંદગી સમિતિની લાંબી વિચારણા બાદ ‘જીતી શકે તેવા’ અને લોકપ્રિય ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તાલુકા ભાજપ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યો અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડનારા નિષ્ઠાવાન કાર્યકરોને આ વખતે ટિકિટ આપવામાં આવી છે. અમને વિશ્વાસ છે કે બાયડ તાલુકાની જનતા ફરી એકવાર વિકાસના પક્ષમાં મતદાન કરી ભાજપને ભવ્ય વિજય અપાવશે.
આ વખતે અનેક બેઠકો પર યુવા અને શિક્ષિત ઉમેદવારોને તક આપીને પક્ષે નવી પેઢી પર ભરોસો મૂક્યો છે. મહિલા અનામત બેઠકો ઉપરાંત સામાન્ય બેઠકો પર પણ સક્રિય મહિલા કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે.
તાલુકાના તમામ ભૌગોલિક વિસ્તારો અને સામાજિક જ્ઞાતિ-સમીકરણોને ધ્યાનમાં રાખીને ન્યાયી પસંદગી કરવાનો પ્રયાસ કરાયો છે.
યાદીમાં સામેલ મુખ્ય ઉમેદવારોમાં દખણેશ્વર સીટ ઉપર પટેલ ધારાબેન અભયભાઈ વડોદરા સીટ ઉપર પટેલ બીપીનભાઈ જેઠાભાઈ આંબલીયારા સીટ ઉપર સુમિત્રાબેન જતીનભાઈ પટેલ ડેમાઇ એક સીટ પરથી પાર્થ જશુભાઈ ચૌધરી તેમજ ડેમાઇ બે સીટ ઉપર ભલાભાઇ શંકરસિંહ ઝાલા ની પસંદગી નો સમાવેશ થાય છે. યાદી જાહેર થતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ફટાકડા ફોડી વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે.




