કાલોલ પોલીસની સફળતા,હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ૬ ચોરાઉ બેટરીઓ સાથે એક આરોપી ઝડપાયો.

તારીખ ૧૩/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન કાલોલ પોલીસને મોટી સફળતા મળી છે. ગોધરા-વડોદરા હાઈવે પર ગોમા નદીના બ્રિજ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે હાઈવા ડમ્પરની બેટરીઓ ચોરતી ગેંગના એક સાગરીતને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડ અને તેમની ટીમ ગોધરા-વડોદરા હાઈવે પર રાત્રિ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગોમા નદીના બ્રિજ પાસે એક મોટરસાયકલ પર બે શંકાસ્પદ ઈસમો સામાન સાથે જઈ રહ્યા હતા. પોલીસે તેમને અટકાવવાનો ઈશારો કરતા, એક ઈસમ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે બીજા ઈસમને પોલીસે કોર્ડન કરી પકડી પાડ્યો હતો.પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ ઓવેશ ઉર્ફે ચુચલો મહમદ હનીફ ભાગલીયા (રહે. ગોધરા) હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી ચોરી કરેલી કુલ ૬ નંગ એક્સાઈડ (Exide) બેટરીઓ મળી આવી છે, જેની અંદાજિત કિંમત રૂ. ૭૨,૦૦૦/- છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ બેટરીઓ મધવાસ અવંતિકા પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા હાઈવા ટ્રકોમાંથી ચોરવામાં આવી હતી.ઝડપાયેલ આરોપી: ઓવેશ ઉર્ફે ચુચલો મહમદ હનીફ ભાગલીયા (ઉંમર ૨૮ વર્ષ, રહે. ગોધરા).ફરાર આરોપી: ઝુબેર રફીક વલીવાંકા (રહે. ગોધરા).ગુનાહિત ઇતિહાસ: પકડાયેલ આરોપી અગાઉ પણ ગોધરા અને કાલોલમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો છે.આ મામલે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફરાર આરોપી ઝુબેરને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં પી.આઈ. આર.ડી. ભરવાડ, પી.એસ.આઈ. પી.કે.ક્રિશ્ચિયન તથા કાલોલ પોલીસ સ્ટાફના સભ્યો જોડાયા હતા.








