
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં ચૂંટણી પૂર્વે તણાવ : કોંગ્રેસ અને આપના ઉમેદવારોને ધમકીની મળતી હોવાની ફરિયાદ – આક્ષેપો ઉઠ્યા

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ધમકી મળ્યાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસે કલેક્ટર અને પોલીસ અધિક્ષક (એસપી) સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ ભિલોડા, ગાજણ, ધનસુરા અને દધાલિયા વિસ્તારોમાં તેમના ઉમેદવારોને ચૂંટણી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. આક્ષેપ છે કે આવા દબાણથી લોકશાહી પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે, જે ચિંતાજનક બાબત છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને બે પૂર્વ ધારાસભ્યોએ તંત્ર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું કે ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ઉમેદવારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જરૂરી છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.આ તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે પણ સમાન પ્રકારની રજૂઆત કરી ઉમેદવારોને મળી રહેલી ધમકીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પણ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષા જળવાય તે માટે તંત્રને યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે.હાલ આ મામલે જિલ્લા તંત્ર દ્વારા શું કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવું રહ્યું, પરંતુ ચૂંટણી પૂર્વે ઉદ્ભવેલી આ સ્થિતિએ રાજકીય ગરમાવો વધુ વધાર્યો છે.





