
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) દ્વારા નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એક મહત્વપૂર્ણ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દંત સર્જન ડૉ. વિરલ પટેલ અને CHC અધિક્ષક ડૉ. સરોજ પટેલના માર્ગદર્શન અને આગેવાની હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ રાષ્ટ્રીય અભિયાન 20મી માર્ચથી 20 એપ્રિલ સુધી “A Happy Mouth is… A Happy Life” થીમ આધારિત સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહ્યું છે. તેના ભાગરૂપે વઘઇ CHC દ્વારા વઘઇ વનવાસી કુમાર છાત્રાલય ખાતે કેમ્પ યોજી બાળકોના દાંત અને મૌખિક આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
કેમ્પ દરમિયાન બાળકોને દાંતની સફાઈ, મોઢાની સ્વચ્છતા અને દાંતના સામાન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. વિરલ પટેલ સહિત આરોગ્ય ટીમ દ્વારા નિયમિત બ્રશિંગ, યોગ્ય ખોરાક અને મીઠી વસ્તુઓનું નિયંત્રણ રાખવા જેવા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા, જે બાળકો માટે જીવનમાં અપનાવવા યોગ્ય સાબિત થાય તેવા હતા.
આ સાથે, આશરે 25 જેટલા બાળકોને ટૂથપેસ્ટ અને ટૂથબ્રશનું વિતરણ કરવામાં આવ્યું તેમજ ઓરલ હેલ્થ અંગે જાગૃતિ ફેલાવવા પેમ્પલેટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. બાળકોમાં તેમજ ઉપસ્થિત લોકોએ આ અભિયાન પ્રત્યે ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો હતો.
સામુહિક આરોગ્ય વિભાગની આ પહેલને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે. આવા કેમ્પો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મૌખિક આરોગ્ય અંગે જાગૃતિ વધે છે અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક પરિવર્તન આવે છે. નિષ્ણાતો અનુસાર, દાંત અને મોઢાની યોગ્ય સંભાળથી માત્ર દાંતના રોગો જ નહીં પરંતુ હૃદયરોગ, ડાયાબિટીસ અને અન્ય આરોગ્ય સમસ્યાઓથી પણ બચી શકાય છે, જે સમગ્ર સ્વસ્થ જીવન માટે જરૂરી છે. આ રીતે વઘઇ CHC દ્વારા યોજાયેલ ઓરલ હેલ્થ કેમ્પ આરોગ્ય જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.





