NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં અનોખી પહેલ: “સંબંધોના સંઘર્ષનો સારથી” વેબસાઈટ લોન્ચ, સંબંધોને મજબૂત બનાવવા નવી દિશા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારીના જાણીતા વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા “સંબંધોના સંઘર્ષનો સારથી” નામની અનોખી વેબસાઈટનો શુભારંભ મહાત્મા જ્યોતિરાવ ફૂલેની 200મી જન્મજયંતિ નિમિત્તે પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ખાતે કરવામાં આવ્યો. ઉત્કર્ષ મંડળ અને વિદ્યા સંજીવની મંડળના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્કર્ષ સંગીત સંધ્યાએ હાજર તમામને મંત્રમુગ્ધ કરી દીધા.

પરેશકુમાર વાટવેચાએ લગ્નજીવનની પવિત્રતા અને સંબંધોમાં આવતી સમસ્યાઓના સમાધાન માટે કાયદા સાથે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની જરૂરિયાત સમજાવી. તેમણે જણાવ્યું કે આ વેબસાઈટ દ્વારા કૌટુંબિક વિવાદ નિવારણ, સંબંધો પુનઃસ્થાપન અને આત્મહત્યા રોકવા માટે મહત્વપૂર્ણ સહાય મળશે.

આ પ્રસંગે ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશભાઈ વશીએ આરોગ્ય, શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે મંડળની સેવાઓ વિશે માહિતી આપી. મંડળ દ્વારા વિદ્યાર્થી માનવ જાદવને એરક્રુ અભ્યાસ માટે રૂ.60,000ની સહાય આપી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું.

વિશેષ અતિથિ ધર્મેશભાઈ કાપડિયાએ જીવનમાં ધીરજ અને સમજણથી સંબંધો મજબૂત બને છે તે મુદ્દે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં હેમલતાબેન વશી, દિનેશભાઈ મિસ્ત્રી, ડૉ. નિલેશભાઈ પટેલ, ડૉ. દિવ્યાંગીબેન પટેલ, દિનેશભાઈ લુહાર, દીપકભાઈ લુહાર, ચેતનભાઈ લુહાર અને નાનજીભાઈ લુહાર ઉપસ્થિત રહ્યા.

સંગીત સંધ્યામાં પ્રજ્ઞાબેન વૈદ્યના ગ્રુપે પરંપરાગત લગ્નગીતો રજૂ કર્યા, જ્યારે મુનાફ કાપડિયાની ટીમે દેશભક્તિના ગીતોથી સૌને ઝૂમાડ્યા. કાર્યક્રમનું સફળ સંચાલન પણ મુનાફ કાપડિયાએ કર્યું.

સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડૉ. નિરવભાઈ પટેલે જણાવ્યું કે આજના તણાવભર્યા સમયમાં આવા કાઉન્સિલિંગ પ્રયત્નો સમાજ માટે અત્યંત જરૂરી છે અને પરેશભાઈ જેવા પ્રતિબદ્ધ વકીલનો પ્રયાસ અનેક તૂટતા સંબંધોને બચાવી શકે છે.

Back to top button
error: Content is protected !!