ભરૂચ વોર્ડ નં- 5 માં ખેલાયો ખેલ : કોંગ્રેસના ઉમેદવાર રાજવીર વસાવાએ ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું..


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ચહલપહલ વચ્ચે આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ મહત્ત્વનો સાબિત થયો છે. સવારે નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર રાજવીર સુરેશ વસાવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર આવ્યો હતો.
રાજવીર વસાવાના આ નિર્ણયને પગલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર વસાવા બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ વોર્ડ નં.5માં ભાજપે વિજયનો શંખનાદ કર્યા વગર જ જીત નોંધાવી છે.
આ ઘટનાને લઈ ભાજપ કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કોંગ્રેસમાં આંતરિક ગોઠવણોને લઈને ચર્ચાઓ જોર પકડી રહી છે. ચૂંટણી પહેલા જ એક બેઠક બિનહરીફ જતાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.
વિશ્લેષકોના મત મુજબ, ઉમેદવારી પરત ખેંચવાના આ નિર્ણય પાછળ સ્થાનિક સ્તરે રાજકીય સમજૂતી કે આંતરિક અસંતોષ કારણભૂત હોઈ શકે છે. હવે બાકીની બેઠકો પર બંને પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કે નહીં તે પર સૌની નજર ટકી રહી છે



