Rajkot: પોલીસ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ

તા.૧૬/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
શૈક્ષણિક સંસ્થા આસપાસ નશાકારક પદાર્થ વેચાણકર્તાની માહિતી શેર કરવા અપીલ કરતા પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા
એક માસમાં રૂ. ૧૧.૬૦ લાખથી વધુની કિંમતનો ગાંજો તેમજ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયા, ૪ આરોપી વિરુદ્ધ કામગીરી
Rajkot: પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરશ્રીએ શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ નાર્કોટિસ ડ્રગ્સ સહીત નશાકારક પદાર્થનું વેચાણ થતું હોવાની સંભાવનાને ધ્યાને લેતા વેચાણકર્તાની માહિતી છાત્રાઓ કે શિક્ષકો મારફતે પોલીસ વિભાગને આપવા ખાસ અપીલ કરી હતી.

શ્રી બ્રજેશ કુમારે સોશિયલ મીડિયા સહીતના વિવિધ માધ્યમ દ્વારા યુવાઓમાં જાગૃતિ અર્થે વધુને વધુ અવેરનેસ કાર્યક્રમો હાથ ધરવા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
ક્રાઈમ વિભાગના ડી.સી.પી. શ્રી જગદીશ બંગરવાએ એન્ટી-ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા ચાલુ માસે કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેમાં એક માસમાં રૂ. ૧૧.૬૦ લાખથી વધુની કિંમતનો ૨૦ કિલોગ્રામ જેટલો ગાંજો તેમજ ૪૦.૪૨ ગ્રામ મેફેડ્રોન ઝડપી કુલ ત્રણ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
જયારે શાળા આસપાસ ૧૦૦ મીટરમાં પ્રતિબંધ હોવા છતાં તંબાકુ સંબંધી વેચાણકર્તા પાન ગલ્લા વિરુદ્ધ કોપટા એક્ટ હેઠળ ૨૩૦ કેસમાં રૂ. ૪૬,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હોવાનું શ્રી બંગરવાએ ઉમેર્યું હતું.
બેઠકમાં મહાનગરપાલિકા, ફૂડ એન્ડ ડ્રગ્સ, આરોગ્ય વગેરે વિભાગો દ્વારા કરાયેલ સર્ચની કામગીરીની વિગત પુરી પાડવામાં આવી હતી. રાજકોટ શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ભારત સરકારના કસ્ટમ્સ વિભાગ દ્વારા નશાકારક ડ્રગ્સ અંગે કરવામાં આવેલા જાગૃતિ કાર્યક્રમ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
એન્કોર્ડ બેઠકમાં ડી.સી.પી. ઝોન -૧ શ્રી હેતલ પટેલ, ઝોન – ૨ શ્રી રાકેશ દેસાઈ, એ.સી.પી. શ્રી ભરત બસિયા, એસ.ઓ.જી ના પી.આઈ. શ્રી એસ.એમ. જાડેજા સહીત વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ, કૃષિ અને વન વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કસ્ટમ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ફોરેન્સિક વિભાગ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીશ્રીઓ જોડાયા હતાં.




