THARADVAV-THARAD

થરાદમાં કોંગ્રેસનો કડક પ્રહાર: ‘લોકશાહી બચાવો’ના નારા સાથે ભાજપ સરકાર સામે પ્રચંડ ધરણાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી કચેરી બહાર ભાજપ સરકારની નીતિઓ અને ભ્રષ્ટ વહીવટ સામે કડક વિરોધ નોંધાવતા પ્રચંડ ધરણાં યોજાયા હતા. ‘લોકશાહી બચાવો’ના ગુંજતા નારા વચ્ચે વાવ-થરાદ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને મહિલા મંડળ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસે ભાજપ સરકાર પર સીધો પ્રહાર કરતાં આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં તાનાશાહી વલણ હાવી થયું છે અને વહીવટી તંત્ર ભ્રષ્ટાચારના ગાળામાં ફસાઈ ગયું છે. પ્રદર્શનકારીઓએ આરોપ મૂક્યો કે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલો વચ્ચે ખુલ્લેઆમ સાંઠગાંઠ ચાલી રહી છે, જેના કારણે સામાન્ય જનતાના કામો અટવાઈ રહ્યા છે અને લોકો હેરાન થઈ રહ્યા છે.

ધરણા સ્થળેથી આગેવાનોએ તીખા શબ્દોમાં સરકારને ઘેરતા જણાવ્યું હતું કે લોકશાહીના મૂલ્યોનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે અને સત્તાધીશો જનતાના પ્રશ્નો પ્રત્યે બેદરકાર બની ગયા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય અને જનતાને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ રસ્તા પરનો સંઘર્ષ વધુ ઉગ્ર બનાવશે.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રામજી ચૌધરી, તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર તેમજ શહેર પ્રમુખ રઘુભાઈ વાણીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોમાં જંગી ઉત્સાહ ભરી દીધો હતો.

થરાદ પ્રાંત કચેરી બહાર યોજાયેલા આ ઉગ્ર પ્રદર્શનથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ તીખી રાજકીય ટકરાવની સંભાવનાઓ ઉભી થઈ છે.

Back to top button
error: Content is protected !!