RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં લોકશાહીના મહાપર્વની અનોખી ઉજવણી

તા.૧૭/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

બાલાશ્રમથી લઈ ભિક્ષુક ગૃહ સુધી ગુંજ્યો ‘અવશ્ય મતદાન’નો નાદ

Rajkot: લોકશાહીના મહાપર્વ સમાન આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ-૨૦૨૬માં મહત્તમ મતદાનના લક્ષ્ય સાથે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વેપ’ (SVAP) પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ સ્વેપ નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા રાજકોટની વિવિધ સંસ્થાઓમાં વિશેષ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

જિલ્લાની વિવિધ કલ્યાણકારી સંસ્થાઓ, કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ તેમજ ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર ખાતે વિશેષ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં નાગરિકોએ “અમે અવશ્ય મતદાન કરીશું” ના સામૂહિક શપથ લીધા હતા. શારીરિક કે માનસિક મર્યાદાઓ હોવા છતાં, આ મતદારોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સખી મંડળો અને સ્વ-સહાય જૂથો (SHG)ની બહેનો દ્વારા કલાત્મક રીતે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સ્લોગનવાળી મહેંદી મૂકીને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા અન્ય નાગરિકોને પ્રેરણા આપી હતી.

જિલ્લા વહીવટી તંત્ર અને સમાજ સુરક્ષા ટીમ દ્વારા આ તમામ સ્થળોએ મતદારોને મતાધિકારના મૂલ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ અંતર્ગત મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ તથા મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર છે.

Back to top button
error: Content is protected !!