JUNAGADHJUNAGADH CITY / TALUKO

માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપીને જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપીને જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે ઇનોવેશનને હાથ ધરવા અને સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતીમાં યોગદાન આપી જીવનને સાર્થક કરવા વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.જૂનાગઢના વંથલી રોડ પરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા કુલ ૩૬ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વિવિધ વિષયોમાં સંશોધન પૂર્ણ કરનાર ૧૦૯ જેટલા વિદ્યાર્થીઓને પીએચ.ડી.ની પદવી એનાયત થઈ હતી. આ પદવીદાન સમારોહના માધ્યમથી યુનિવર્સિટીની ૬ ફેકલ્ટીના જુદા જુદા કોર્સના કુલ ૨૭,૪૭૬ વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ડિપ્લોમાની પદવી પ્રાપ્ત કરી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, માત્ર શૈક્ષણિક ડીગ્રી મેળવવાથી નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે યોગદાન આપવાથી જીવન ખરા અર્થમાં ચરિતાર્થ બને છે. પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અને જવાબદારી અદા કરવી જોઇએ.રાજ્યપાલશ્રીએ કહ્યું કે, જીવનમાં સતત જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી ઉદાર હાથે સમાજમાં તેની વહેંચણી કરવી જોઈએ. સાથે જ સંવેદનાયુક્ત જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડતાં કહ્યું હતું કે, સંવેદનાવિહીન જીવન પથ્થર સમાન છે, બીજાની પીડાઓ અને દુઃખ દર્દ સમજી જીવનમાં પરોપકાર, દયા, નિષ્ઠા, કર્તવ્ય જેવા ગુણોને આત્મસાત કરવા જોઈએ.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, બુદ્ધિપૂર્વક પરિશ્રમ કરવાથી જ સફળતા મેળવી શકાય છે. દુનિયામાં સત્કર્મોની સુવાસ ફેલાવી લોકોના હૃદયમાં સ્થાન મેળવવું જોઈએ. લોકોનું જીવન સરળ અને સુખમય બને તે માટે ઇનોવેશન તરફ દ્રષ્ટિ રહે તે પણ એટલું જ જરૂરી છે. રાજ્યપાલશ્રીએ સમાજમાં બદલાવ માટે આદર્શ ગામ સ્થાપિત કરવામાં સહયોગી થવા, પાણી બચાવવા, વૃક્ષો, દેશી ગાય અને પર્યાવરણના જતન સંવર્ધન ઉપરાંત શિક્ષણ માટે કાર્યો કરવા માટે પણ આહવાન કર્યું હતું. તેમણે આ સંદર્ભમાં એમ પણ કહ્યું કે, સામાન્ય લાગતી અને નાની વસ્તુઓથી જ સમાજમાં પરિવર્તન આવે છે.તેમણે ધર્મના સંદર્ભમાં જણાવ્યું કે, અસત્યથી દૂર રહી સત્યનું આચરણ કરવું જોઈએ, વ્યક્તિ પોતાના માટે જેમ માન સન્માન અને સારો વ્યવહાર ઈચ્છે છે, તે જ રીતે સમાજના દરેક વ્યક્તિ સાથે કરવું જોઈએ. સાથે જ સમાજના પ્રત્યેક વ્યક્તિની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઈએ.રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, માતા પિતા અને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ રાખી તેમનું સન્માન કરવું નૈતિક ફરજ પણ છે, વિદ્યાર્થીઓએ એવા ગુણ ધારણ કરવા જોઈએ જેનાથી પોતાની કીર્તિ અને સન્માનમાં વૃદ્ધિ થાય.તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ આદર્શ શોધવા માટે બહાર નજર દોડાવવાની જરૂર નથી, ગુજરાતની ભૂમિએ સમયાંતરે ગાંધીજી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ભક્ત કવિ નરસિંહ મહેતા જેવા અનેક મહાપુરુષો આપ્યા છે. જેમાંથી પ્રેરણા મેળવીને જીવનને વધુ ઉન્નત બનાવી શકાય તેમ છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન આઈઆઇએમના પૂર્વ પ્રોફેસર અને પદ્મશ્રી ડૉ. અનિલ કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે તમારા જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. તમે તમારા જીવનના એક નવા યુગમાં અને સમાજમાં યોગદાન આપવા માટેના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. તેમણે પદવીધારકોને સફળતા માટે ત્રણ મહત્વની બાબત પર ભાર આપતા કહ્યુ હતુ કે, જ્યારે બીજાનું દુઃખ આપણું પોતાનું લાગે, ત્યારે જ કંઈક નવું સર્જવાની પ્રેરણા મળે છે. ભક્ત કવિ નરસિંહ મહેતાનું પદ ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ આ જ વાત શીખવે છે. તમે તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજની પીડા દૂર કરવા માટે કરશો તો તમારું જીવન સાર્થક થશે. આજની પેઢી ડાઉનલોડ કરવામાં ઘણો સમય વિતાવે છે, પણ મારો તમને અનુરોધ છે કે તમે તમારો અપલોડનો રેશિયો વધારીને સતત નવા વિચારો અને જ્ઞાન વહેંચતા રહો. વિશ્વગુરુ એ જ બની શકે જે ડેટા કન્ઝ્યુમ કરવાને બદલે પોતાનું જ્ઞાન અને સંશોધન દુનિયા સાથે વહેંચે. વધુમાં કહ્યું હતું કે, ઉત્સુકતા જ ઉર્જાનો સ્ત્રોત છે. જો તમારામાં કંઈક નવું જાણવાની ઉત્સુકતા હશે, તો ઉત્સાહ જાગશે અને તેનાથી એવી ઉર્જા આવશે. જે તમને ક્યારેય થાકવા નહીં દે. આ પ્રસંગે ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૈાહાણે સ્વાગત સંબોધનમાં જણાવ્યુ હતુ કે, વર્ષ ૨૦૧૫માં સ્થાપિત ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ એક દાયકામાં ખૂબ જ પ્રગતિ કરી છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ૪ જિલ્લાની ૨૪૬ સંલગ્ન કોલેજો સાથે જોડાયેલી છે. ખાસ કરીને લાઈફ સાયન્સ, વાઈલ્ડ લાઈફ અને કેમેસ્ટ્રી જેવા વિભાગોમાં આ યુનિવર્સિટી ગુજરાતભરમાં અગ્રેસર છે. છેલ્લા પાંચ વર્ષમાં અધ્યાપકો દ્વારા  ૧૫૦થી વધુ રિસર્ચ આર્ટિકલ્સ પ્રસિદ્ધ થયા છે.તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં સૌથી ઝડપથી એટલે કે માત્ર ૧૧ થી ૧૫ દિવસમાં પરીક્ષાના પરિણામો જાહેર કરવાનો લેન્ડમાર્ક સ્થાપિત કર્યો છે. અમારું લક્ષ્ય આગામી બે વર્ષમાં આ યુનિવર્સિટીને રિસર્ચ, પેટન્ટ અને ઇનોવેશનમાં ગુજરાતની અગ્રણી યુનિવર્સિટી બનાવવાનું છે.આ દીક્ષાંત સમારોહમાં ફેકલ્ટીવાઈઝ આર્ટસમાં ૯૮૦૫, કોમર્સમાં ૬૮૭૧, સાયન્સમાં ૧૫૨૦, હ્યુમેનીટી અને સોશ્યલ સાયન્સ-૧૧૩૭, લાઈફ સાયન્સ,-૯૯, એજ્યુકેશન-૨૫૩૪, રૂરલ સ્ટડીઝ- ૧૧૯૫, મેનેજમેન્ટ-૪૭૦, હોમ સાયન્સ-૧૫૧, મેડીસન-૪૮૩, નર્સીંગ-૨૬૬, હોમીયોપેથી-૯૫, લો-૭૯૯, કોમ્પ્યુટર સાયન્સ-૧૯૪૨, પીએચ.ડી. ઓલ ફેકલ્ટી-૧૦૯ મળીને એમ કુલ ૨૭૪૭૬ વિદ્યાર્થી પદવી પ્રાપ્ત કરી છે. આ પ્રસંગે આભારવિધિ યુનિ. ના કુલસચિવ ડૉ. રમેશ પરમારે કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલ, જિલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, કમિશનર શ્રી તેજસ પરમાર, પરીક્ષા નિયામક શ્રી દિલસુખ સુખડીયા, ચિલ્ડ્રન યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. જોશી, કામધેનુ યુનિ.ના વાઈસ ચાન્સેલર ડો. ટાંક ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવો, ગણમાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!