
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજીમાં અનોખો પ્રચાર : સમાજના રીત-રિવાજને પ્રાધાન્ય, ઉમેદવારે વરને પીઠી લગાવી

શામળાજી તાલુકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક અનોખો દ્રશ્ય સામે આવ્યું છે. હાલ ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને દરેક પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અલગ-અલગ રીતે પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક સભાઓ યોજાઈ રહી છે, તો ક્યાંક ડોર-ટુ-ડોર પ્રચાર અને વ્યક્તિગત સંપર્ક દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ દરમિયાન શામળાજી તાલુકાના ઓડ તાલુકા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર જશીબેન ચીમનભાઈ ફનાતે પ્રચારમાં એક અલગ જ રીત અપનાવી છે. હાલ લગ્ન સીઝન ચાલી રહી હોવાથી તેઓ પ્રચાર દરમિયાન પોતાના મત વિસ્તારમાં આવેલા લગ્ન પ્રસંગોમાં પણ હાજરી આપી રહ્યા છે.લગ્ન પ્રસંગે પહોંચેલા ઉમેદવાર દ્વારા સમાજના રીત-રિવાજને પ્રાધાન્ય આપતા વરરાજાને પરંપરા મુજબ પીઠી લગાવવામાં આવી હતી. આ દ્રશ્યને લોકોમાં ભારે રસ અને કુતૂહલ જગાવ્યું હતું. પ્રચાર સાથે સામાજિક જોડાણ વધારવાનો આ પ્રયાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હાલ સમગ્ર જિલ્લામાં મહિલાઓ દ્વારા પણ પ્રચારમાં સક્રિય ભાગ લેવાઈ રહ્યો છે, જે રાજકારણમાં મહિલાઓની વધતી ભાગીદારી દર્શાવે છે. ઉમેદવારો દ્વારા મતદારો સાથે વ્યક્તિગત અને સાંસ્કૃતિક રીતે જોડાવાના આવા પ્રયાસો ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે.





