THARADVAV-THARAD

મીઠા જિલ્લા પંચાયત સીટ પર રાજકીય તોફાન: પ્રચાર દરમિયાન ભાજપ મહામંત્રીનું વિવાદિત નિવેદન ચર્ચામાં

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે જેમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપના જિલ્લા મંત્રી કમલેશ આચાર્ય દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે, જ્યારે ઠાકોર સમાજ પણ સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવી રહ્યો છે.

મીઠા જિલ્લા પંચાયત સીટ માં યોજાયેલી ચૂંટણી સભામાં કમલેશ આચાર્યએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત પર સીધો પ્રહાર કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે ગુલાબસિંહ રાજપૂત અને તેમના પરિવાર દ્વારા વ્યાજે નાણાં આપીને ગરીબોની જમીનો કબજે કરવામાં આવી છે.

આ ઉપરાંત, તેમણે પેટા ચૂંટણી દરમિયાન ભાજપ ઉમેદવારને હાથના મિલાવવા મુદ્દે પણ ગુલાબસિંહને નિશાન બનાવ્યા અને કહ્યું કે “તેનું પરિણામ હવે મળી રહ્યું છે.”

આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં રોષની લાગણી ઉગ્ર બની છે. સમાજના આગેવાનો આ નિવેદનને અપમાનજનક ગણાવી રહ્યા છે. બીજી તરફ, ઠાકોર સમાજના યુવાનો સોશિયલ મીડિયા પર કમલેશ આચાર્યના નિવેદનની ટીકા કરી રહ્યા છે અને પક્ષને ચેતવણી આપી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારના નિવેદનો ભાજપ માટે ચૂંટણીમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને જ્યારે જાતિઆધારિત અસંતોષ વધી રહ્યો હોય. વિરોધ પક્ષો પણ આ મુદ્દાને ઉછાળી રાજકીય લાભ લેવા પ્રયત્નશીલ બન્યા છે.

હાલમાં આ વિવાદે સ્થાનિક રાજકારણમાં નવી ચિંગારી સળગાવી છે, અને યોજાનારી ચૂંટણીમાં તેનું શું પ્રભાવ પડે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!