વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ.

તારીખ ૨૧/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી.હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?









