MORBI:મોરબી જનતાનો અવાજ: “નામ ભારતીય જનતાનું, પણ કામ કોર્પોરેટ ગૃહોનું?” – મધ્યમ વર્ગમાં ઉભરતો રોષ





MORBI:મોરબી જનતાનો અવાજ: “નામ ભારતીય જનતાનું, પણ કામ કોર્પોરેટ ગૃહોનું?” – મધ્યમ વર્ગમાં ઉભરતો રોષ

વર્તમાન રાજકીય સ્થિતિ અને સરકારની નીતિઓ સામે હવે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. “જય શ્રીરામ” ના નાદ સાથે પરિવર્તનની આશા રાખતો એક મોટો વર્ગ હવે સરકારની પ્રાથમિકતાઓ સામે સવાલો ઉઠાવી રહ્યો છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જે પાર્ટીના નામમાં ‘જનતા’ છે, તેનું હિત હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ ગૃહો પૂરતું સીમિત રહી ગયું છે.
સામાન્ય નાગરિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ ઉદ્યોગોને ગેસના ભાવ કે અન્ય કોઈ સમસ્યા નડે છે, ત્યારે સરકાર બીજા જ દિવસે મિટિંગો કરીને ઉકેલ લાવે છે. બીજી તરફ, ગરીબોને મફત અનાજની લાલચ આપી મતો અંકે કરવામાં આવે છે, પરંતુ દેશની કરોડરજ્જુ ગણાતા મધ્યમ વર્ગને મોંઘવારી અને ટેક્સના બોજ હેઠળ ‘રામ ભરોસે’ છોડી દેવામાં આવ્યો છે.
સરકારની નીતિઓ વિદેશી કંપનીઓ અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને અનુકૂળ રહે તે રીતે ઘડાઈ રહી હોવાનો સુર ઉઠ્યો છે. જમીન સંપાદનથી લઈને લેબર લો (શ્રમ કાયદા) સુધીના ફેરફારો મોટા ગૃહોને ફાયદો કરાવી રહ્યા છે, જ્યારે નાના વેપારીઓ વારંવાર રિટર્રન ભરવાની અને જટિલ GST પ્રક્રિયામાં ગુંચવાયેલા રહે છે.
એવો પણ ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે કે ઉદ્યોગ ગૃહો પાસેથી મોટું ચૂંટણી ફંડ લાવી આપનારાઓને સંગઠનમાં મોટી જવાબદારીઓ સોંપાય છે. આના પરિણામે પ્રજા ઉદ્યોગો દ્વારા લૂંટાઈ રહી છે. પ્રદૂષણના નિયમો નેવે મૂકીને હવા ઝેરી બનાવવામાં આવી રહી છે, છતાં તંત્ર મૌન છે.
રિવરફ્રન્ટ જેવા પ્રોજેક્ટ્સની ઝાકઝમાળ વચ્ચે પ્રજાના ઘરે પીવાનું દૂષિત પાણી પહોંચી રહ્યું છે. દૂધ, તેલ અને પનીર જેવી ખાદ્યસામગ્રીમાં થતી બેરોકટોક ભેળસેળને કારણે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. સપનાઓ ઉજ્જવળ ભવિષ્યના દેખાડાય છે, પણ વાસ્તવિકતામાં પ્રજા બીમારી અને મોંઘવારીથી પીડાઈ રહી છે.
રૂપિયાનું સતત થતું અવમૂલ્યન અને વહીવટી તંત્રની બિનકાર્યક્ષમતાને કારણે બજારમાં મંદીનો માહોલ છે. યુવાનો પાસે નોકરી નથી અને ધંધામાં ઠેકાણા નથી. દેશપ્રેમની વાતો વચ્ચે સામાન્ય માણસના ઘરનું અર્થતંત્ર ખોરવાઈ ગયું છે.
હવે પ્રજા ખોખલી વાતો અને દુષ્પ્રચારથી કંટાળી હોય તેમ જણાય છે. આ અસંતોષ વચ્ચે લોકો હવે ભગવાન રામ પાસે ન્યાય અને સાચા પરિવર્તનની પ્રાર્થના કરી રહ્યા છે.



