
વિજાપુરમાં વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત વિજાપુર ખાતે જિલ્લા આરોગ્ય તંત્ર અને જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિજય જે. પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ચેતન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જનજાગૃતિ રેલી અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
“મેલેરિયા ના અંત માટે આપણે પ્રતિબદ્ધ છીએ, તેનો અંત લાવીને જ રહીશું” થીમ હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ દ્વારા મેલેરિયા રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે મેલેરિયા ફેલાવવાનો મુખ્ય કારણ માદા એનોફિલીસ મચ્છર છે, જે બંધિયાર અને સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે. મચ્છરની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે સમજ આપતાં તેમણે ઈંડા, પોરા અને કોશેટા જેવી તબક્કાવાર માહિતી આપી હતી.
આ અવસરે કે.જે. પટેલ નર્સિંગ કોલેજ, ના નર્સિંગ વિદ્યાર્થીઓને પોરા (લાર્વા) અને ગપ્પી ફિશનું જીવંત નિદર્શન કરાવી પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી, જેનાથી મેલેરિયા નિયંત્રણ માટેના ઉપાયો અંગે જાગૃતિ વધે.વર્કશોપ બાદ એસ.ડી.એચ. વિજાપુરથી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન મેલેરિયા વિરોધી સૂત્રો, પ્લેકાર્ડ અને બેનરો દ્વારા જનતા સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અર્બન હેલ્થ ઓફિસર વ, તાલુકા આરોગ્ય સ્ટાફ દર્શન પટેલ, પ્રતીક પંચાલ તેમજ અર્બન આશા કાર્યકર બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



