JUNAGADHJUNAGADH RURAL

લોકશાહીનો અનોખો અવસર : લગ્નગ્રંથિએ જોડાતા પહેલા નવદંપતીઓએ નિભાવી નાગરિક ધર્મની ફરજ

વિસાવદરના લેરીયા અને નવાણિયા ગામે વર-કન્યાએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી

વિસાવદરના લેરીયા અને નવાણિયા ગામે વર-કન્યાએ મતદાન કરી પ્રેરણા પૂરી પાડી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં આજે એક તરફ ઉત્સાહનું વાતાવરણ છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બે અલગ-અલગ ગામોએ લગ્નના પવિત્ર બંધને બંધાતા પહેલા વર-કન્યાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ‘પવિત્ર મતદાન’ની ફરજ અદા કરી હતી. લગ્નના વ્યસ્ત શિડ્યુલ અને વિધિઓ વચ્ચે પણ મતદાનને પ્રાથમિકતા આપી આ યુગલોએ સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જેમાં લેરીયા ગામે આજે મધુભાઈ ઠુમ્મરની સુપુત્રી દ્રષ્ટિબેનના લગ્ન પ્રસંગની ધૂમ હતી. ઘરે મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને લગ્નની વિધિઓ ચાલુ હતી. આ જ સમયે દ્રષ્ટિબેને નક્કી કર્યું કે તેઓ લગ્નમંડપમાં બેસતા પહેલા દેશના હિત માટે મતદાન કરશે. દ્રષ્ટિબેન લગ્નના પોશાકમાં જ લેરીયા પ્રાથમિક શાળાના બુથ નંબર-૨ ખાતે પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. લગ્નના કપડામાં સજ્જ કન્યાને મતદાન મથક પર જોઈ અન્ય મતદારોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
તેમજ બીજી તરફ, નવાણિયા ગામે પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. અત્રેના રહેવાસી જયસુખભાઈ પાનસુરીયાના પુત્ર મૌલિકકુમારના આજે લગ્ન હોવાથી ઘરે જાનૈયાઓ તૈયાર હતા. જોકે, વરરાજા મૌલિકકુમારે જાન લઈને નીકળતા પહેલા નવાણિયા પ્રાથમિક શાળાના બુથ પર જઈને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. શેરવાની અને સાફામાં સજ્જ વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કરી સંદેશ આપ્યો હતો કે લોકશાહીમાં એક-એક મતની કિંમત છે.
ત્યારે આજના આધુનિક યુગમાં જ્યારે લોકો રજા કે વ્યસ્તતાના બહાને મતદાન કરવાનું ટાળતા હોય છે, ત્યારે લેરીયાની દીકરી દ્રષ્ટિબેન અને નવાણિયાના વરરાજા મૌલિકકુમારે સાબિત કર્યું છે કે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ એ તમામ અંગત પ્રસંગોથી ઉપર છે. આ બંને નવયુગલોની જાગૃતતાને જિલ્લા ચૂંટણી તંત્ર અને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!