
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
આદર્શ આચારસંહિતા હટતા જ રાજ્યમાં વહીવટી ગતિવિધિઓ તેજ; કર્મચારી આલમમાં ખુશીનો માહોલ
મુંદરા,તા. 29:
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ જાહેર કરવામાં આવતા હવે રાજ્યમાં અટકેલા વહીવટી કાર્યોને વેગ મળશે. ખાસ કરીને રાજ્યના હજારો કર્મચારીઓ જે વહીવટી નિર્ણયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે માટેનો માર્ગ હવે મોકળો થયો છે. આચારસંહિતા હટતાની સાથે જ હવે શિક્ષણ અને અન્ય વિભાગોમાં “જિલ્લા ફેર બદલી, સ્થાનિક તાલુકા બદલી તેમજ બઢતી” ની પ્રક્રિયા ઝડપી બને તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં ઉનાળુ વેકેશનનો સમયગાળો ચાલતો હોવાથી આ સમય દરમિયાન બદલી અને ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તો કર્મચારીઓ અને કચેરીના કામકાજ બંને માટે અનુકૂળતા રહેશે જે અંગે સરકાર માર્ગદર્શક સૂચના અનુસાર સકારાત્મક નિર્ણય લે તેવી કર્મચારી સંગઠનોની માંગ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૧લી જાન્યુઆરી ૨૦૨૬ થી મોંઘવારી ભથ્થામાં જે ૨% નો વધારો જાહેર કરવામાં આવ્યો છે તે અત્યાર સુધી આચારસંહિતાના કારણે ગુજરાતમાં અમલી બની શક્યો ન હતો. હવે આચારસંહિતા ઉઠાવી લેવામાં આવતા રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ વધારાની સત્તાવાર જાહેરાત કરીને કર્મચારીઓને આર્થિક લાભ આપી શકે છે. સાથે જ નવી ભરતી પ્રક્રિયાઓ કે જેની જાહેરાત થઈ ચૂકી હતી પરંતુ પરીક્ષા કે નિમણૂક પ્રક્રિયા અટકી પડી હતી તેને પણ હવે ગતિ મળશે. આ નિર્ણયથી સરકારી તંત્રમાં નવી ઉર્જાનો સંચાર થશે અને લાંબા સમયથી પડતર રહેલા કર્મચારી લક્ષી પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




