MORBI:મોરબી વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકે જીવન ટૂંકાવ્યું, સાત શખ્સો સામે ગુનો દાખલ





MORBI:મોરબી વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકે જીવન ટૂંકાવ્યું, સાત શખ્સો સામે ગુનો દાખલ

મોરબી: શહેરના આલાપ રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં વ્યાજખોરીના રાક્ષસે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ધંધા માટે લીધેલા નાણાંના બદલામાં અનેકગણી રકમ ચૂકવી દેવા છતાં, વ્યાજખોરોની સતત ધમકીઓથી કંટાળીને હોટલ સંચાલક નિરવભાઈ બોપલીયાના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયાએ ગત ૨૩ એપ્રિલના રોજ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે સાત વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી છે.

વ્યાજનું વિષચક્ર: રૂ. ૩૭ લાખ સામે રૂ. ૭૫ લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૧૯માં ધંધાકીય જરૂરિયાત માટે પિતા-પુત્રએ મોરબી અને રાજકોટના સાત વ્યાજખોરો પાસેથી ૪ ટકાથી લઈને ૩૦ ટકા જેટલા તોતિંગ વ્યાજે અલગ-અલગ સમયે કુલ રૂ. ૩૭.૫૦ લાખ લીધા હતા. આ રકમ સામે અત્યાર સુધીમાં તેઓએ રૂ. ૭૫.૪૦ લાખ ચૂકવી દીધા હતા. વ્યાજખોરોને નાણાં ચૂકવવા માટે અશ્વિનભાઈએ પોતાની બગથળા ગામની ૧૧ વીઘા જમીન, ઘરના સોના-ચાંદીના દાગીના અને બેંક બેલેન્સ પણ ખાલી કરી દીધું હતું.તેમ છતાં, વ્યાજખોરો ધરાયા નહોતા અને વધુ નાણાંની માંગણી સાથે સતત ધમકીઓ આપતા હતા. આ માનસિક ત્રાસ સહન ન થતા અંતે અશ્વિનભાઈએ મોતનો માર્ગ પસંદ કર્યો હતો.
પોલીસે નિરવ બોપલીયાની ફરિયાદના આધારે નીચે મુજબના સાત શખ્સો વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધ્યો છે: ૧. ઈમરાનભાઈ ગુલામભાઈ માડકીયા (મોરબી) – ૨. અજયભાઈ ભટ્ટ (મોરબી) – ૩. ગીરીરાજસિંહ ગોહીલ (રાજકોટ) – ૪. ભરત રબારી (થોરાળા, મોરબી) – ૫. અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ (મોરબી) – ૬. વિપુલ જેસંગભાઈ રાઠોડ (મોરબી) – ૭. કિશનભાઈ રબારી (મકનસર) ધરપકડ: પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી કિશનભાઈ મનુભાઈ રાઠોડ, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઈ રાઠોડ અને ગીરીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ગોહીલની ધરપકડ કરી લીધી છે.ઈમરાન માડકીયા: ૧૨.૫૦ લાખ સામે ૫૦ લાખ વસૂલ્યા અને મકાનનું સોદાખત કરાવી લીધું. – ભરત રબારી: ૧ લાખ સામે ૨૦ ટકા વ્યાજ વસૂલી કોરા ચેક પડાવી લીધા. – વિપુલ અને અજીત રાઠોડ: ૧.૫૦ લાખ સામે ૨.૪૦ લાખ વસૂલ્યા અને મોબાઈલ પણ પડાવી લીધો. – કિશન રબારી: ૫૦ હજાર સામે ૧૦ લાખનું લખાણ અને કોરા ચેક લઈ લીધા હતા.હાલ મોરબી પોલીસે અન્ય ફરાર આરોપીઓને પકડવા અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.



