જેલની મુલાકાત બારી – એમ.એમ.દવે જેલર ગૃપ 2 સાબરમતી સેન્ટ્રલ જેલ અમદાવાદ

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મારી જેલરની સફરમાં રાજ્યની જુદી જુદી જેલોમાં ફરજો બજાવવાનું બન્યું. બહુ બધા અનુભવોનું ભાથુ મળ્યું છે. પણ આજે વાત કરવી છે “જેલની મુલાકાત બારી ” વિશે જેલની તોતિંગ દીવાલો વચ્ચેની મુલાકાત બારી સામાન્ય બારીની જેમ હવા ઉજાસ માટે નથી હોતી પણ જેલની મુલાકાત બારી અતિ સંવેદનશીલ જગ્યા છે. જે બારીની અંદર બંદીવાન હોય છે, બહાર પરિવાર હોય છે.આ બારીમાં કરુણ દ્રશ્યો પણ જોવા મળે છે. જેલનું નામ સાંભળતાં મનમાં મોટી મુછાવાળા લાલ આંખોવાળા ગુન્હેગારોનુ ચિત્ર ખડું થાય છે, પણ એ અર્ધસત્ય છે. બિનગુન્હેગાર કે નિર્દોષ બંદીવાનો પણ જેલમાં હોય છે. મહિલાઓ સાથે ક્યારેક નાના માસુમ બાળકો પણ હોય છે. પરંતુ આ કઠોર વાતાવરણ વચ્ચે જેલની મુલાકાત બારી ઉપર લાગણીઓનો સૈલાબ ઉભરાય છે. મુલાકાત બારી કેદીઓ માટે બહારની દુનિયા સાથે જોડાવાનું એકમાત્ર સેતુ છે. લોખંડની જાળીની આરપાર બંદીવાનો તેમના પ્રિયજનો જોઈ શકે છે, વાત કરી શકે પરંતુ સ્પર્શ નથી કરી શકતા. ત્યારે સ્પર્શનું મહત્વ સમજાય છે. જ્યારે કોઈ વૃદ્ધ માતા પિતા દીકરાને મળવા આવે તો માથે હાથ મૂકવા ઇચ્છતા હોય, તો કોઈ પ્યાસી પત્ની આંખોમાં પ્રેમ દિલમાં દુઃખ લઈને પતિનું આલિંગન ઇચ્છતી હોય નાના બાળકો પિતાને મળવા આવે તો અંદરનો પિતા બાળકોને ચૂમવા ઇચ્છતો હોય છે. ત્યારે મુલાકાત બારીનો કર્મચારી જ્યારે બૂમ પાડે કે ચલો મુલાકાતનો સમય પૂર્ણ થયો ત્યારે વીસ મિનિટ સુધી રોકી રાખેલા આંસુઓનો સેલાબ બારી છોડ્યા પછી બન્ને તરફ જોવા મળે છે.
કારણ કે દરેક સબંધ આલિંગન ઈચ્છે છે,સ્પર્શ વિના મુલાકાત અધૂરી લાગે છે. ખૈર જ્યારે કેદી મુલાકાત બારીથી મળે છે, ત્યારે તેમના દિલમાં દુઃખ, ચહેરા ઉપર ખુશી સાથે છુપાવી રાખેલા આંસુ સ્પષ્ટ જોઈ શકાય છે. છતાં માતા પિતા દૂરથી દીકરાને આશીર્વાદ આપી દે છે, કોઈ પત્ની પતિને હિંમત આપે છે પણ જ્યારે કોઈ નાની દીકરી પૂછે કે “પપ્પા, તમે ઘરે ક્યારે આવશો?” ત્યારે જન્મટીપની સજા વાળા બંદીવાન પપ્પા સાવ જૂઠું બોલે કે બેટા હમણાં છૂટી જઈશ હો ચિંતા નહી કરતી હો બેટા! જેલની મુલાકાત બારી ઉપર કરૂણતાની પરાકાષ્ઠા તો ત્યારે આવે કે કોઈ મહિલા બંદીવાન તરીકે જેલમાં હોય એને બહારથી મળવા આવેલ પુરુષ એનો પિતા, ભાઈ કે પતિ કે પુત્ર દીકરી કે માતા હોય ત્યારે બન્ને તરફ આંસુઓની નદી વહે છે. વીસ મિનિટની મુલાકાતમાં દસ મિનિટ તો ફ્કત આંખો જ વાતો કરે છે. સન્નાટો જોવા મળે છે. ઘણા પોતાની ભૂલ માટે પસ્તાવો વ્યક્ત કરી પરિવારને વિશ્વાસ આપે છે કે પોતે હવે સુધરી જશે સારી જિંદગી જીવશે ત્યારે ખુશીના આંસુ પણ જોવા મળે છે આમ જેલની મુલાકાત બારી માત્ર મળવાનું સ્થાન નથી તે લાગણીઓનું જીવંત ચિત્ર છે. અહીં પ્રેમ, પીડા, પસ્તાવો અને આશા એકસાથે અનુભવાય છે. આ દ્રશ્યો જીવનમાં સચ્ચાઈ અને સારા માર્ગે ચાલવાની પ્રેરણા પણ આપે છે કે આજનો ઉશ્કેરાટ આવતી કાલનો પશ્ચાતાપ છે.જિંદગીની એક ભૂલ કે એક ખોટુ પગલું માત્ર વ્યક્તિને નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારની ખુશીનો નાશ કરી નાખે છે. (Most IMP) આ તબક્કે મારા જાત અનુભવ શેર કરવા છે કે હું જ્યારે જેલ મુલાકાત ઈનચાર્જ રહેતો ત્યારે ફરજના બદલે , ક્યારેક કરુણાને આધિન થઈ જતો. જ્યારે બંદીવાનને મળવા નાના માસુમ આવે ત્યારે અંદરનો મજબૂર પિતા બાળકોને ચૂમવા ઈચ્છતો હોય ત્યારે હું ભૂલી જતો કે મેં ખાખી પહેર્યા છે. માસુમ તેડીને અંદર લઈને પિતાને ચૂમવાની તક આપતો. એનાથી આગળ ખાસ ખાસ ખાસ મારી ફરજો દરમ્યાનની બે ત્રણ ઘટના તમારી સાથે શેર કરવી છે કે પિતા જેલમાં હોય અને ઘેર પોતાની જ સગી દીકરીના લગ્ન હોય સંજોગોવસાત પિતાને પેરોલ ન મળી હોય ત્યારે દીકરીના લગ્નમાં ખુદ પિતા હાજર ન રહી શક્યા હોય ત્યારે તે દિવસે પિતા જેલની બેરેકમાં ઉદાસ હૈયે આંસુ સારતો હોય એવામાં એના નામની મુલાકાતની બુમ સંભળાય પિતા મુલાકાત બારી ઉપર આવે ત્યારે પોતાની દીકરી ચાર ફેરા ફરી વિદાય થતા પહેલા દુલ્હનના રૂપમાં પાનેતરની છેડાછેડી સાથે પિતાને મળવા જેલની બારી ઉપર આવી હોય ત્યારે કરૂણતા છવાઇ જાય, ઉપસ્થિત અન્ય બંદીવાનોની આંખો છલકાઈ જતી, મારી આંખો પણ ભીની થઈ જતી ત્યારે હું મુલાકાત બારી ઉપર મુલાકાત આપવાના બદલે સુપ્રિ.ના પરામર્શમાં રહીને હું નિયમોની એસી તેસી કરીને દુલ્હનને મારી ઓફિસમાં બેસાડીને બાપ દીકરીનું મિલન મારા રૂબરૂ કરાવી દેતો.પણ દીકરી મહેંદીવાળા હાથી દુલ્હનના રૂપમાં હોય જ્યારે પિતા કેદી કપડામાં કેદી ટોપીમાં હોય પણ કઠોર પિતા લાડકીને બાથમાં ભરી પોક મૂકે ત્યારે પિતા પુત્રીના આક્રંદથી જેલમાં સન્નાટો છવાઈ જતો આ મિલનનું દ્રશ્ય અદુભુત હોય છે, પિતા જેલમાં છે એટલે દીકરી રડે છે જ્યારે પોતાની દીકરીના મંડપમાં પોતે હાજર નથી રહી શક્યા એટલે પિતા વધુ રડે છે.કોઈ કશું બોલી શકતા નથી બસ ધરાઇ ધરાઇ રડીને પિતાના આશીર્વાદ લઈ પિતા પુત્રી છૂટા પડે છે. બંદીવાન પિતા રડતી આંખે એની બેરેકમાં ચાલ્યા જાય છે અને દીકરી રડતી આંખે એની ડોલીમાં.




