ANANDANAND CITY / TALUKO

સગર્ભા મહિલાને નવજીવન આપી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ

સગર્ભા મહિલાને નવજીવન આપી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને ચરિતાર્થ કરતી આણંદ સિવિલ 108 એમ્બ્યુલન્સની ટીમ

તાહિર મેમણ – આણંદ – 02/05/2026 – આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 108 ઇમરજન્સી સેવા ફરી એકવાર સગર્ભા મહિલા અને નવજાત શિશુ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આણંદ સિવિલ IFT 108 ટીમની સૂઝબૂઝ અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાને નવજીવન આપી સ્વસ્થ બાળક્ને જન્મ અપાવ્યો છે.

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ભાટિયેલ ગામની ઇન્દિરા આવાસ કોલોનીમાં રહેતા ૨૨ વર્ષીય સગર્ભા મહિલાને પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડી હતી. આ અંગેની જાણ થતા જ આણંદ સિવિલ IFT 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દર્દીની સ્થિતિ ગંભીર જણાતા અને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રસૂતિ થઈ જાય તેવી શક્યતા જોતા ટીમે સ્થળ પર જ પ્રસૂતિ કરવાનો નિર્ણય લીધો હતો.

એમ્બ્યુલન્સના EMT અર્પિત કટારા અને પાયલોટ લીલુભાઈ ભાભોર દ્વારા એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડમાં સુરક્ષિત રીતે ઉભી રાખવામાં આવી હતી. અમદાવાદ હેડ ઓફિસ ખાતે હોટ લાઈન પર ઉપલબ્ધ ફિઝિશિયન ડો. કરણના માર્ગદર્શન હેઠળ જરૂરી સાધનોની તૈયારી કરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આમ, 108ની ટીમની મહેનત અને કુશળતાને પરિણામે મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

સફળ પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર અર્થે નજીકની PHC નાપા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ છે. સગર્ભા મહિલાને નવજીવન આપી ‘સેવા એ જ પરમો ધર્મ’ના સૂત્રને ચરિતાર્થ કરતી 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી અને સમયસૂચકતા માટે મહિલાના પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામા આવી હતી.

Back to top button
error: Content is protected !!