
નર્મદા : બંગાળમાં ભાજપને મળેલ જીતની નર્મદા જિલ્લામાં ઉજવણી, રાજપીપળા સફેદ ટાવર ખાતે આતશબાજી
રાજપીપળા : જુનેદ ખત્રી
ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમબંગાલમાં મળેલ ભવ્ય વિજય બદલ નર્મદા જિલ્લા ભાજપ દ્વારા રાજપીપળામાં ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો.રાજપીપળાના સફેદ ટાવર ચોક ખાતે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહીત ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.પશ્ચિમબંગાલમાં ભાજપને મળેલા જનસમર્થન અને વિજયથી ઉત્સાહિત કાર્યકરોએ આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.

આ દરમિયાન “ભારત માતા કી જય”, “વંદે માતરમ્” તેમજ “ભાજપ જિંદાબાદ”ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે પશ્ચિમબંગાલમાં ભાજપે કરેલી સફળતા એ લોકવિશ્વાસનું પ્રતિબિંબ છે અને આવનાર સમયમાં દેશભરમાં ભાજપનો જનસમર્થન વધુ મજબૂત બનશે.ઉત્સવ દરમિયાન સફેદ ટાવર ચોક ખાતે ઉત્સાહભર્યું વાતાવરણ સર્જાયું હતું




