
નર્મદા જિલ્લામાં MRI, CT સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ શરૂ કરવા સહિત અનેક પ્રશ્ને સંકલનમાં ચૈતર વસાવાની રજૂઆત
રાજપીપળા : જુનેદ ખત્રી
આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે નર્મદાના કલેક્ટર સમક્ષ અનેક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા હતા.

બેઠક બાદ મિડીયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના પ્રજાહિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના લોકોને વધુ સારી સુવિધાઓ મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.અમે પણ જિલ્લા પ્રમુખ સાથે મળીને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નો અને રજૂઆતો કરી હતી. જેમ કે, જમીનવિહોણા લોકોને લગતા પ્રશ્નોમાં જિલ્લાના તમામ છ તાલુકાઓમાં સર્વે કરવામાં આવે અને જે લોકોને પ્લોટની જરૂરિયાત હોય તેમને પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.તે જ પ્રમાણે નર્મદા જિલ્લામાં એમઆરઆઈ, સીટી સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.સાથે સાથે વન વસાહતના જેટલા પણ ગામો છે, તેમને રેવન્યુ ગામોમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે અને રેવન્યુ ગામોને મળતા તમામ લાભો આ ગામોના લોકોને પણ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી.તુમડાવાડી ગામ, જે જંગલ ખાતાની હદમાં આવેલું છે, ત્યાં પીવાના પાણી, રોડ-રસ્તા, આંગણવાડી અને શાળાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સવારે નાસ્તાની સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.સાથે સાથે વન અધિકાર કાયદા હેઠળના જે પેન્ડિંગ દાવાઓ છે, તે અંગે જિલ્લા સ્તરે વન સમિતિની બેઠક બોલાવીને તેમને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.નર્મદા જિલ્લાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ તમામ મુદ્દાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે બીજી એક મહત્ત્વપૂર્ણ રજૂઆત આજે કરવામાં આવી હતી. ગામ પંચાયતોમાં કામ કરતાં બીસીએથી લઈને સર્કિટ હાઉસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સાથે સંકળાયેલી તમામ કચેરીઓમાં તેમજ વન વિભાગની કચેરીઓમાં કામ કરતાં પટાવાળાઓ, સિક્યોરિટી ગાર્ડ, રોજંદાર કર્મચારીઓ અને સર્કિટ હાઉસ પર કાર્યરત તમામ કર્મચારીઓને સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવે અને તેમને તમામ પ્રકારના કાયદેસર લાભો આપવામાં આવે તેવી રજૂઆત અમે આજની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી.સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડિયા પેલેસ ખાતેના જે દુકાનદારોની દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, તે બાબત પણ અમે રજૂ કરી હતી. આ લોકો નાના વેપારીઓ છે અને નાની રોજગારી કરીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. તેથી તેમને પોતાની નાની દુકાનો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે અને તેમના રોજગારનું રક્ષણ કરવામાં આવે તેવી પણ અમે માંગણી કરી હતી.આ તમામ રજૂઆતો અંગે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડીસીએફ, નિયામક તેમજ અન્ય અધિકારીઓએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને અમને વિશ્વાસ આપ્યો હતો કે આ તમામ કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.વધુમાં, નવરચિત ચીકદા તાલુકામાં પણ તમામ સરકારી કચેરીઓ માટે જરૂરી બાંધકામ શરૂ કરીને ટૂંક સમયમાં તે કાર્યરત કરવામાં આવશે તેવી ખાતરી પણ અમને આપવામાં આવી છે.આજની બેઠકમાં રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી અને તમામ બાબતોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અમને ખાતરી મળી છે




