વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ‘કુંભકર્ણ’ની નિંદ્રામાં! વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહી.!!

તારીખ ૦૫/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામની વરવી વાસ્તવિકતા સામે આવી છે. વેજલપુર ઉર્દુ શાળા પાસે ગંદકી એ એવી માજા મુકી છે કે જાણે આ વિસ્તાર પંચાયતના નકશામાં જ ન હોય! શાળાના બાળકો અને સ્થાનિક રહીશો ગંદકી અને દુર્ગંધના નરકમાં જીવવા મજબૂર બન્યા છે, છતાં પંચાયતનું વહીવટી તંત્ર મૌન સેવીને બેઠું છે.શાળા પાસે ઉકરડાનું સામ્રાજ્યજોવા મળે છે.વેજલપુર ઉર્દુ શાળા પાસે જાહેર માર્ગો પર કચરાના પહાડો ખડકાયા છે. આ કચરામાં ડુક્કરો અને રખડતા પશુઓ મોઢું મારી રહ્યા છે, જેના કારણે ગંદકી આખા રસ્તા પર ફેલાઈ રહી છે. શાળાએ ભણવા જતા માસૂમ ભૂલકાઓએ દરરોજ આ ગંદકી અને અસહ્ય દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો અહીં કોઈ ભયંકર રોગચાળો ફાટી નીકળશે, તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયત પાસે દર વર્ષે સફાઈ અને વિકાસકામો માટે લાખો રૂપિયાની સરકારી ગ્રાન્ટ આવે છે વેજલપુર ગ્રામ પંચાયતના ચોપડાઓ કદાચ સફાઈના ખર્ચ અને ગ્રાન્ટના આંકડાઓથી ભરેલા હશે, પરંતુ વાસ્તવિકતામાં વેજલપુર ઉર્દુ શાળાની બહાર કચરાના ગંજ ખડકાયેલા છે. પંચાયત દ્વારા કરવામાં આવતા સ્વચ્છતાના દાવાઓ કેટલા ‘પોકળ’ છે તેનો પુરાવો અહીં રખડતા ડુક્કરો અને દુર્ગંધ મારતી ગંદકી આપી રહી છે. એવું લાગી રહ્યું છે કે પંચાયત વહીવટદારો માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક કાગળ પરની ઔપચારિકતા બનીને રહી ગયું છે વેજલપુરના ગ્રામજનો આજે પણ પાયાની પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે શું આ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર જ થાય છે? સફાઈ કામદારો અને કચરાના નિકાલની વ્યવસ્થા કેમ ખોરવાઈ છે? સ્થાનિકો દ્વારા અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં, વેજલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. પંચાયતનું વહીવટી તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જવાબદાર અધિકારીઓ કચેરીમાં બેસીને માત્ર આદેશો જ કરે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ અત્યંત દયનીય છે.વેજલપુરના જાગૃત નાગરિકો હવે પંચાયતની આ નીતિથી કંટાળી ગયા છે. ગ્રામજનોની માંગ છે કે ઉર્દુ શાળા પાસેની ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને ગામમાં નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ‘નિંદ્રાધીન’ પંચાયત જાગશે ખરી? કે પછી વેજલપુરની જનતાએ હજુ પણ આ ગંદકીમાં જ દિવસો કાપવા પડશે?









