RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના વિકાસને વધુ ગતિશીલ બનાવતા આધુનિક પુલો

તા.૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : રાજકુમાર

મહાનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં ૬ ફ્લાયઓવર અને અંડરબ્રિજના નિર્માણથી પરિવહન સેવા બની સુગમ

સાંઢીયો પુલ પૂર્ણતાના આરે, કટારીયા જંક્શન ખાતે મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજનું કામ આશરે ૪૦ ટકા પૂર્ણ

Rajkot: રાજકોટ મહાનગર વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, અને આ પ્રગતિને ગતિ આપે છે શહેરનું મજબૂત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર. સુગમ પરિવહન કોઈપણ શહેરના વિકાસનું મુખ્ય આધારસ્તંભ ગણાય છે, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં માર્ગ અને પુલોના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગના કેન્દ્ર તરીકે ઓળખાતા રાજકોટમાં ટ્રાફિકને સરળ અને ઝડપી બનાવવા છેલ્લા પાંચ વર્ષમાં ૫ ફ્લાયઓવર અને ૧ અંડરબ્રિજનું નિર્માણ થયું છે, જેના પરિણામે શહેરમાં પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.

જેમાં હોસ્પિટલ ચોક – થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજ કે જે રાજકોટ જામનગર તરફ જવા માટે વાહન ચાલકોને સુવિધા પૂરી પાડી રહ્યો છે. રાજકોટના હ્રદય સમાન ૧૫૦ ફીટ રીંગ રોડ પર કે.કે.વી. ચોક સ્થિત સેકન્ડ લેવલ બ્રિજ કાલાવડ રોડને જોડતો ડબલ ડેકર બ્રિજ છે. જે કાલાવડ રોડ તરફ જવા માટે વાહન ચાલકોને વિશેષ રીતે મદદરૂપ બની રહ્યો છે.

તો ૧૫૦ ફીટ રીંગ રોડ પર નાના માવા ચોક સ્થિત ફ્લાયઓવર બ્રિજ ગોંડલ ચોકડી તરફ જતા વાહન ચાલકોને સિગ્નલ પર અટક્યા વગર ઝડપથી આગળ વધવામાં મદદરૂપ બની રહ્યો છે. જ્યારે રામદેવપીર ચોક પર નિર્મિત ફ્લાયઓવર બ્રિજ પરિવહન સેવા સુગમ બનવવા મદદરૂપ થઇ રહ્યો છે. કાલાવાડ રોડ પર પ્રેમ મંદિર – મોટા મવા વચ્ચેના ફ્લાયઓવર બ્રિજે પણ લોકોની પરિવહન સુવિધામાં વધારો કર્યો છે.

વધુમાં લક્ષ્મીનગર નાળું કે જ્યાંથી રેલવે લાઈન પસાર થાય છે તે જગ્યાએ જનરલ બીપીન રાવત રેલવે અંડરબ્રિજ નિર્માણ પામતાં ચોમાસા દરમ્યાન પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પડતી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.

સમયની માંગને ધ્યાને લઇ રાજકોટથી જામનગર તરફ જવા માટે રેલવે લાઈન પર હયાત સાંઢિયા પૂલ પર પરિવહન સેવા સુદ્રઢ બને તે માટે વિસ્તરણ અર્થે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગર રોડ પર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૭૪.૩૨ કરોડના ખર્ચે બનતો રેલવે ઓવરબ્રિજ (સાંઢીયો પુલ) પૂર્ણતાના આરે છે, જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટના બીજા રીંગ રોડ અને કાલાવડ રોડને જોડતા કટારીયા જંક્શન ખાતે રૂ. ૧૬૭ કરોડના ખર્ચે મલ્ટીલેવલ આઇકોનિક બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. મ્યુનીસીપલ કમિશનરશ્રી તુષાર સુમેરાના જણાવ્યા મુજબ હાલમાં આશરે ૪૦ ટકા જેટલું બ્રિજ નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે.

રાજકોટ મહાનગરમાં ઊભા થઈ રહેલા આ આધુનિક ફ્લાયઓવર અને બ્રિજ માત્ર માર્ગ વ્યવસ્થાને જ સુગમ નથી બનાવતા, પરંતુ શહેરની નવી ઓળખ તરીકે પણ ઊભરી રહ્યા છે—એક એવું રાજકોટ, જે વિકાસ, ઝડપ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિક બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!