કાલોલના ઘૂસર ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડવા ગયેલી ખાણ-ખનીજ ટીમ પર ભૂમાફિયાઓનો હુમલો, 2 અધિકારી ગંભીર ઘાયલ.

તારીખ ૦૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લામાં ભૂમાફિયાઓ હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. કાલોલ તાલુકાના ઘૂસર ગામે ગેરકાયદેસર રેતી ખનન પકડવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ભૂમાફિયાઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. આ હુમલામાં બે અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી વિગતો અનુસાર, પંચમહાલ ખાણ-ખનીજ વિભાગને કાલોલના ઘૂસર ગામે નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ તપાસમાં પહોંચી હતી, જ્યાં નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરેલા 6 જેટલા ટ્રેક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યાં પોતાના ટ્રેક્ટરો પકડાઈ જતાં ઉશ્કેરાયેલા અંદાજે 8 જેટલા શખ્સોના ટોળાએ સરકારી ટીમ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ જબરદસ્તીથી ખાણ-ખનીજ વિભાગની ટીમે પકડેલા તમામ ટ્રેક્ટરો છોડાવી લીધા હતા અને ત્યાંથી નાસી છૂટ્યા હતા.ભૂમાફિયાઓના આ હિંસક હુમલામાં માઈન્સ સુપરવાઇઝર કેયુર સેન્જેલિયા અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર કર્મરાજ જાડેજા ઇજાગ્રસ્ત થયા હતા, બંને ઘાયલ અધિકારીઓને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.સરકારી કર્મચારીઓ પર દિવસે-દિવસે વધી રહેલા આ પ્રકારના હુમલાઓ ચિંતાનો વિષય છે. ખનિજ માફિયાઓમાં પોલીસ કે પ્રશાસનનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગતું નથી. આ ઘટનાથી એ સાબિત થાય છે કે ખનીજ માફિયાઓ પોતાની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હુમલાખોરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન આ માફિયાઓ સામે કેવા પ્રકારના કડક પગલાં ભરે છે.








