
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મેઘરજના રોલેશ્વર પાસે મોપેડ અને બાઈક ભટકાતા, ભાજપ કાર્યકરનું સારવાર દરમિયાન મોત
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રોલેશ્વર પાસે એક કમનસીબ અકસ્માતની ઘટના બની હતી જેમાં મોપેડ અને
મોટરસાઈકલ ભટકાતા ભાજપ પાયાના કાર્યકર હસમુખલાલ ગાંધીનું ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડતા જીંદગી સામે જંગ હારી જતા સારવાર દરમિયાન મોત નીપજતા મેઘરજ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું . અકસ્માતના પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘરજના રોલેશ્વર વિસ્તાર પાસે હસમુખલાલ ગાંધી પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવતા એક મોટરસાઈકલ સાથે તેમનો જોરદાર અકસ્માત થયો હતો. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનોના કુરચેકુરચા ઉડી ગયા હતા અને હસમુખલાલ સહિત બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હસમુખલાલ ગાંધીની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે દમ તોડ્યો હતો. બીજા બાઈક ચાલકની હાલ પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.હસમુખલાલ ગાંધી મેઘરજ ભાજપ સંગઠન સાથે લાંબા સમયથી જોડાયેલા હતા અને વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ભાજપ સંગઠન, કાર્યકરો અને મેઘરજ તાલુકાની જનતામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. અનેક રાજકીય આગેવાનોએ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મેઘરજ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





