મહીસાગર જિલ્લાની વડાગામ 108 ઇમર્જન્સી સેવાની ટીમે સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો.

મહીસાગર જિલ્લાની વડાગામ 108 ઇમર્જન્સી સેવાની ટીમે સ્થળ પર જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો.
અમીન કોઠારી મહીસાગર
રાજ્ય સરકારની 108 ઈમરજન્સી સેવા ખરા અર્થમાં લોકો માટે સંજીવની સાબિત થઈ રહી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વડાગામ 108 ની ટીમે પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, સમયસૂચકતા અને તાલીમના આધારે એક સગર્ભા મહિલાની જટિલ પરિસ્થિતિમાં ઘટના સ્થળે જ સફળ પ્રસુતિ કરાવીને માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવ્યો છે.
ખાનપુર તાલુકાના ચમેડાના મુવાડા ભગત ફળિયા વિસ્તારમાં રહેતી એક મહિલાને અચાનક પ્રસુતિની અસહ્ય પીડા ઉપડતાં તેમના પરિવારજનોએ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ વડાગામ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.

સ્થળ પર પહોંચ્યા બાદ, 108 ના ઈમરજન્સી મેડીકલ ટેક્નિશિયન (EMT) સુરેશ પંચાલ અને પાયલોટ રાજેશભાઇએ સગર્ભાની પ્રાથમિક તપાસ કરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને અને હોસ્પિટલ પહોંચવામાં લાગનારા સમયને ધ્યાનમાં રાખીને, ટીમે ઘટના સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરાવવાનો સાહસિક અને ત્વરિત નિર્ણય લીધો હતો.
આ કપરી પરિસ્થિતિમાં ટીમે ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર પર ફરજ બજાવતા સેન્ટ્રલ ફિઝિશિયન ડૉક્ટર પરમાર સાથે ટેલિફોનિક (ઓન કોલ) સંપર્ક કર્યો હતો. ડૉક્ટરના સચોટ માર્ગદર્શન હેઠળ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થા દ્વારા આપવામાં આવેલી સઘન તાલીમનો ઉપયોગ કરીને ટીમે અત્યંત કાળજીપૂર્વક અને સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવી હતી. આ સફળ કામગીરીના અંતે માતાએ એક સ્વસ્થ નવજાત પુત્રને જન્મ આપ્યો હતો.
પ્રસુતિ બાદ જરૂરી પ્રાથમિક સારવાર આપીને માતા અને બાળક બંનેને લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલમાં વધુ નિરીક્ષણ માટે સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા છે. 108 ઈમરજન્સી સેવાની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીથી ભાવવિભોર થયેલા પરિવારજનોએ સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




