WAKANER:“જળસંચયથી વિકાસનો નવો અધ્યાય” : વાંકાનેર તાલુકાના ૨૪ તળાવોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત





WAKANER:“જળસંચયથી વિકાસનો નવો અધ્યાય” : વાંકાનેર તાલુકાના ૨૪ તળાવોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

વાંકાનેર તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા તાલુકાના ૨૪ તળાવોને ઊંડા કરવા, પાળનું જંગલ કટિંગ, પાળ મજબૂત બનાવવા સહિતના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોને મંજૂરી મળતા ગ્રામ્ય વિસ્તારમાં ખુશીની લાગણી વ્યાપી છે. આ કામગીરી માટે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરની સફળ રજૂઆતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી ઈશ્વરભાઈ કોળી પટેલ દ્વારા આ કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેના અનુસંધાને આજ રોજ વાંકાનેર તાલુકાના ચાંચડીયા ગામના મોટા તળાવ ખાતે જિજ્ઞાસાબેન મેરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય અલ્પેશભાઈ, સરપંચ પ્રેમજીભાઈ માલકીયા, સરપંચ રાજુભાઈ, નરશીભાઈ, ભગવાનભાઈ સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિજ્ઞાસાબેન મેરે જણાવ્યું હતું કે તળાવોની પાળ મજબૂત કરવી અને તળાવો ઊંડા કરવાના કાર્યો ગ્રામ વિકાસ અને જળસંચય માટે અત્યંત જરૂરી છે. ચોમાસા દરમિયાન પાળમાં થતા ધોવાણને અટકાવવા તેમજ વધુ પાણી સંગ્રહ માટે આધુનિક પદ્ધતિઓથી આયોજન કરવામાં આવશે. તળાવના તળિયે વર્ષોથી જમા થયેલો કાંપ હિટાચી મશીન, જેસીબી અને ટ્રકો દ્વારા દૂર કરવામાં આવશે જેથી પાણી સંગ્રહ ક્ષમતા વધશે.તેમણે વધુમાં જણાવ્યું કે તળાવમાંથી નીકળેલી માટીનો ઉપયોગ પાળને વધુ ઊંચી અને પહોળી બનાવવા માટે થશે. આધુનિક ઇનલેટ અને આઉટલેટ સિસ્ટમથી પાળને મજબૂતી મળશે તેમજ કિનારાઓ પર વૃક્ષારોપણ થવાથી માટી ધોવાણમાં ઘટાડો થશે. આ વિકાસ કાર્યોના પરિણામે આસપાસના કૂવા અને બોરના પાણીના તળ ઊંચા આવશે, ખેડૂતોને લાંબા સમય સુધી સિંચાઈ માટે પાણી મળશે, પશુઓ માટે પાણીની સુવિધા વધશે અને ભૂગર્ભ જળ રિચાર્જ થવાથી પાણીની અછત દૂર કરવામાં મદદ મળશે.
વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર સતત પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા આપતા વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય દેખાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણી, આરોગ્ય, શિક્ષણ અને રોજગાર જેવા પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત રજૂઆતો કરી રહ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના વિકાસમુખી અભિગમ હેઠળ દેશના વડાપ્રધાન Narendra Modi અને ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patel ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પંથકમાં વિકાસ કાર્યોને નવી ગતિ મળી રહી હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.



