કાલોલની ઘુસર ગોમા નદીમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો કરનાર સાત આરોપીઓનું ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાવાયું.

તારીખ ૦૯/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ગયેલી ખાણ ખનિજ વિભાગની ટીમ પર થયેલા હિંસક હુમલાના કેસમાં વેજલપુર પોલીસે લાલ આંખ કરી છે. આ ચકચારી ઘટનામાં સંડોવાયેલા કુલ સાત આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેઓને ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તપાસના ભાગરૂપે આરોપીઓએ કઈ રીતે સરકારી અધિકારીઓ પર હુમલો કર્યો અને કયા હથિયારો કે સાધનોનો ઉપયોગ કર્યો હતો તે તમામ પાસાઓની સ્થળ પર ઝીણવટભરી તપાસ કરી મહત્વના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે.સરકારી કર્મચારીઓ પર હુમલો કરી કાયદો હાથમાં લેનારા તત્વોમાં પોલીસનો ખોફ બેસે તે હેતુથી વેજલપુર પોલીસે આરોપીઓને સ્થળ પર જ કાયદાનું ભાન કરાવ્યું હતું. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં વિક્રમભાઇ જોગાભાઇ ભરવાડ, મનીષભાઇ પોપટભાઇ ભરવાડ, મેહુલભાઇ પોપટભાઇ ભરવાડ, રાહુલભાઇ ઝાલાભાઇ ભરવાડ, યુવરાજસિંહ ઉર્ફે પ્રકૂલ પટેલ, વિક્રમભાઇ કાન્તીભાઇ રાઠવા અને યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ બારીઆ (તમામ રહે. ઘુસર) નો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીના ભાગરૂપે તેમની ગેરકાયદેસર મિલકતોની તપાસ પણ શરૂ કરી દીધી છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ મિલકતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. અસામાજિક તત્વોમાં સરકારી તંત્રનો ડર જળવાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બને તે માટે પોલીસ દ્વારા લેવામાં આવેલા આ આકરા પગલાંથી ફફડાટ વ્યાપી ગયો છે.








