MEHSANAVIJAPUR

ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા

ખરોડ ગામે વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પાંચમા સમૂહ લગ્નોત્સવમાં 24 જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા આયોજિત પાંચમા સમૂહ લગ્નોત્સવનો ભવ્ય કાર્યક્રમ ખરોડ ગામે ધાર્મિક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. ગુજરાતની આગવી ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ રામદેવપીર બાબાના સાનિધ્યમાં તેમજ ઓલીયાપીર દાદા, મહાકાળી માતાજી, નિલકંઠ મહાદેવ અને શ્રી હનુમાનજીના આશીર્વાદ સાથે સંપન્ન થયો હતો.સમૂહ લગ્ન પ્રસંગે સૂરજની સાખે અને અગ્નિદેવની સાક્ષીએ 24 જેટલા નવદંપતિઓએ જીવનયાત્રાની નવી શરૂઆત કરી હતી. ચોરીના ચાર ફેરા ફરી લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતિઓને સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સ્વજનો તથા શુભેચ્છકોએ શુભાશિષ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને ઉત્સવમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ પ્રસંગે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન જેવી સમાજોપયોગી પ્રવૃત્તિને બિરદાવી હતી. સમિતિના આગેવાનો દ્વારા સમાજમાં એકતા, સહકાર અને સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવા માટે આવા આયોજનને મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું હતું.
ખરોડ ગામે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં આયોજકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!