MEHSANAVIJAPUR

સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન

સફળતાના શિલ્પી: ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ વિજાપુર નજીકના ‘ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈની નિઃસ્વાર્થ સેવાનું વૃક્ષારોપણથી કર્યું સન્માન
સામાજિક સંદેશ અને પર્યાવરણ જાગૃતિમાં રાધેશ્યામભાઈ ગુપ્તાનું યોગદાન અમૂલ્ય : જીતુભાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કોઈપણ સફળ અભિયાન પાછળ એવા અનેક લોકોની મહેનત છુપાયેલી હોય છે, જેઓ મંચ પર નહીં પરંતુ પડદા પાછળ રહીને નિઃસ્વાર્થ ભાવથી કાર્ય કરતા હોય છે. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ આવી જ એક સેવાભાવી વ્યક્તિ ‘વિજાપુર નજીકના ઋષિવન’ના મેનેજર રાધેશ્યામભાઈ ગુપ્તાની કામગીરીને બિરદાવી અનોખી રીતે તેમનું સન્માન કર્યું હતું.
રાધેશ્યામભાઈ ગુપ્તા છેલ્લા ચાર વર્ષથી એકપણ દિવસનો વિરામ લીધા વગર પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જાગૃતિના સંદેશાઓ સોશિયલ મીડિયા તથા જાહેર પ્રસાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. “કર ભલા હોગા ભલા”ના સૂત્ર સાથે તેઓ ગ્રીન ગ્લોબલ બ્રિગેડની પ્રવૃત્તિઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીને લોકોને વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.
તેમની આ નિષ્ઠા અને સેવાભાવને બિરદાવવા માટે ઋષિવન ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જીતુભાઈ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમે કોઈ મોમેન્ટો કે શાલના બદલે જીવંત વૃક્ષ વાવીને રાધેશ્યામભાઈનું સન્માન કર્યું હતું. પર્યાવરણપ્રેમી સમાજ માટે આ અનોખું સન્માન એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.
જીતુભાઈએ જણાવ્યું હતું કે ગ્રીન ગ્લોબલ બ્રિગેડની સફળતા માત્ર નેતૃત્વની નહીં પરંતુ રાધેશ્યામભાઈ જેવા પાયાના કાર્યકરોની સતત મહેનત અને સમર્પણનું પરિણામ છે. તેમના દ્વારા દરરોજ સોશિયલ મીડિયા પર મૂકાતા સંદેશા, તસવીરો અને પર્યાવરણ જાગૃતિના અભિયાનોને કારણે અનેક લોકો વૃક્ષારોપણ તરફ પ્રેરાયા છે.
આ કાર્યક્રમ દરમિયાન ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાધેશ્યામભાઈ ગુપ્તાની પડદા પાછળ રહીને કરાતી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!