
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સત્તાનાં સિંહાસન પર બેસવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.જિલ્લા અને તાલુકા પંચાયતોમાં અપેક્ષા કરતા વિપરીત આવેલા પરિણામોએ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને દોડતા કરી દીધા છે.ખાસ કરીને ડાંગ જિલ્લામાં ભાજપ માટે આ પરિણામો આત્મમંથન સમાન સાબિત થયા છે,કારણ કે પક્ષ દ્વારા લાદવામાં આવેલા ’60 વર્ષથી વધુ વય’ અને ‘ત્રણ ટર્મ’ના કડક માપદંડો હવે પાર્ટી માટે જ ‘ગળાનો ફાંસો’ બની રહ્યા હોય તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.આ માપદંડોને કારણે અનેક કદાવર અને પ્રજાભિમુખ નેતાઓની ટિકિટ કપાતા જનતા અને કાર્યકરોમાં છૂપો રોષ જોવા મળ્યો હતો,જેની સીધી અસર મતદાન પર પડી હતી.જેમાં કૉંગ્રેસે જિલ્લા પંચાયતમાં 06 બેઠકો અને ત્રણેય તાલુકા પંચાયતમાં 21 બેઠકો કબજે કરી ભાજપાનો દાવ કરી નાખ્યો છે.બીજી તરફ, ડાંગનાં રાજકારણનાં દિગ્ગજ નેતા મંગળ ગાવિતની કોંગ્રેસમાં ઘરવાપસીએ મૃતપ્રાય બનેલી પાર્ટીમાં નવા પ્રાણ ફૂંક્યા છે.જેના થકી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસનું જોર સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.આહવા તાલુકામાં કોંગ્રેસે 9 બેઠકો કબજે કરીને ભાજપને માત્ર 7 બેઠકો પર સમેટી દીધું છે, જ્યારે વઘઈ તાલુકામાં બંને પક્ષો વચ્ચે 8-8 બેઠકોની ટાઈ પડતા રસાકસી જામી છે.જ્યારે સુબિર તાલુકામાં 16માંથી 04 બેઠકો આંચકી લીધી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન મંગળ ગાવિતે ધારાસભ્યના ભાઈ પર મનરેગા યોજનામાં સરપંચો પાસેથી ટકાવારી ઉઘરાવવાના કરેલા આક્ષેપો પણ ભાજપને ગ્રામ્ય સ્તરે નુકસાન પહોંચાડી ગયા હોવાનું જણાય છે.જિલ્લા પંચાયતની વાત કરીએ તો, ભાજપ પાસે 12 બેઠકોનું સંખ્યાબળ છે અને કોંગ્રેસ પાસે 6 બેઠકો છે. બહુમતી ભાજપ પાસે હોવા છતાં ખરો જંગ હવે પ્રમુખપદ અને મહત્વની સમિતિઓમાં (બાંધકામ, સિંચાઈ, શિક્ષણ,આરોગ્ય)નાં હોદ્દા મેળવવા માટે શરૂ થયો છે.હાલમાં ભાજપની અંદર અલગ-અલગ લોબીઓ સક્રિય થઈ ગઈ છે.પક્ષનાં નિયમોને કારણે પોતે ચૂંટણી ન લડી શકનારા ભાજપાનાં કદાવર નેતા ચંદરભાઈ ગાવિતે પોતાના પરિવારના સભ્યને જીતાડીને પોતાની પકડ સાબિત કરી દીધી છે.તો બીજી તરફ, સુબીર તાલુકામાં ભાજપને ભવ્ય જીત અપાવનારા રાજેશ ગામીતને જો પ્રમુખપદ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં ન આવે, તો અસંતોષની જ્વાળા ફાટી નીકળે તેવી શક્યતા જોવા મળી રહી છે.ડાંગનો ઈતિહાસ સાક્ષી છે કે અહીં ‘બળવો’ અને ‘ક્રોસ વોટિંગ’ કોઈ નવી વાત નથી.ભૂતકાળમાં રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન અને બીબીબેન ચૌધરીએ ભાજપ સામે બળવો કરી કોંગ્રેસના ટેકાથી જિલ્લા પંચાયતની સત્તા મેળવી હતી.વર્ષ 2021માં પણ જિલ્લા પંચાયતમાં 18માંથી 17 બેઠકો ભાજપાની હોવા છતાં ભાજપના સદસ્યો હોદ્દાની ખેંચતાણમાં ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.અને આખરે પાર્ટીએ ડેમેજ કન્ટ્રોલ કરવો પડ્યો હતો.જો હાલની પરિસ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ સિનિયર નેતાઓની અવગણના કરશે, તો કોંગ્રેસના મંગળ ગાવિત જેવા નેતાઓ અસંતુષ્ટોને સાથે રાખીને મોટો રાજકીય ઉલટફેર કરી શકે તેમ છે.અને મંગળ ગાવીત તકનો લાભ શોધી ભાજપાને અમંગળ સ્થિતિમાં મોકલી શકે તેમ છે.હાલમાં રાજ્ય અને કેન્દ્રમાં ભાજપાની સત્તા હોવા છતાં જો ડાંગમાં આંતરિક યાદવાસ્થલી ન રોકાઈ, તો તેની માઠી અસર 2027ની વિધાનસભાની ચૂંટણી પર પણ પડી શકે છે.હવે જોવાનું એ રહેશે કે ડાંગ જિલ્લામાં ભાજપ એકજૂટ રહીને ગઢ સાચવે છે કે પછી કોંગ્રેસ ‘સતરંગી’ ચાલો રમીને સત્તા મેળવે છે..




