Rajkot: રાજકોટમાં હિટવેવની આગાહીના પગલે બપોરે ખાસ કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળવું

તા.૧૨/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
ઉચ્ચ પ્રોટીનવાળો આહાર ટાળવો જોઈએ અને વાસી આહાર ન ખાવો
હવામાન વિભાગ દ્વારા રાજકોટ પંથકમાં આગામી તા.૧૩ થી ૧૫ મે દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધતા જતા તાપમાન અને લૂના પ્રકોપથી નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી ગંભીર અસરો ન થાય, તે હેતુથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં બપોરેના સમયે ખાસ કામ વિના બહાર નહીં નીકળવા ભલામણ કરાઈ છે. સાથે અન્ય તકેદારીના પગલાં સૂચવાયા છે.
હીટવેવથી બચવા શું કરવું?
સ્થાનિક હવામાનની આગાહી મેળવવા માટે રેડિયો સાંભળવો જોઈએ, ટી.વી. જોવું જોઈએ તથા વર્તમાનપત્ર વાંચવું જોઈએ.
પૂરતું પાણી પીવું તથા ઓ.આર.એસ., ઘરે બનાવેલા પીણાં જેવા કે લસ્સી, પાકી / કાચી કેરીનો રસ (બાફલો), લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, જે શરીરને ફરીથી હાઈડ્રેટ કરવામાં મદદ કરે છે.
હળવા, સફેદ રંગના, ખુલ્લા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
બને તેટલું ઘરની અંદર રહેવું તથા તડકામાં બહાર જતી વખતે ગોગલ્સ, શૂઝ અથવા ચપ્પલનો ઉપયોગ કરવો જોઈએ. માથાને ઢાંકવા માટે કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
ઘરને ઠંડુ રાખવું, પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
હીટસ્ટ્રોક, હીટરેશ અથવા હીટક્રેમ્પ જેવા કે નબળાઈ, ચક્કર આવવાના સંકેતોને ઓળખી લેવા જોઈએ.
માથાનો દુ:ખાવો, ઉબકા, પરસેવો અને આંચકી જેવા લક્ષણો દેખાય અથવા બેભાન અથવા બીમાર અનુભવો તો તરત જ ડોક્ટરને મળવું જોઈએ.
પ્રાણીઓને છાંયડામાં રાખવા અને તેમને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ.
સગર્ભા અને બીમાર શ્રમિકો પર વધારે ધ્યાન આપવું જોઈએ.
હીટવેવથી બચવા શું ન કરવું?
તડકામાં બહાર જવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ કલાકથી બપોરે ૦૩ કલાકની વચ્ચે બહાર ન નીકળવું જોઈએ.
ઘાટા, ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
જ્યારે બહારનું તાપમાન વધારે હોય ત્યારે શરીરને વધુ પડતો શ્રમ આપતી પ્રવૃત્તિ કે કાર્યો ટાળવા.
ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ.
સખત ગરમીના કલાકો દરમિયાન રસોઈ કરવાનું ટાળવું જોઈએ. રસોઈ કરવાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ.
બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડવા જોઈએ નહીં, કારણ કે તેઓ હીટવેવની અસર થઈ શકે છે.
આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ ટાળવા જોઈએ, જે શરીરને ડીહાઈડ્રેટ કરે છે.
ઉચ્ચ પ્રોટીનવાળો આહાર ટાળવો જોઈએ અને વાસી આહાર ન ખાવો જોઈએ.
ગરમીના પ્રકોપ દરમિયાન નાની એવી બેદરકારી પણ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આથી, વહીવટી તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા આ ઉપાયોને અમલમાં મૂકી આપણે હીટ સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિથી બચી શકીએ છીએ.




